ટ્રમ્પે જાહેર કર્યું એક તરફી યુદ્ધ વિરામ, જંગ પર બ્રેક,નાકાબંધી ચાલુ, ઈરાનનું નેતૃત્વ વિભાજીત હોવાનું બહાનું

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ લંબાવવા ટ્રમ્પે એક તરફી એલાન કર્યું છે, અને પાક વડાપ્રધાન તથા આર્મી ચીફના કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનો દાવો કર્યો છે. જંગ કામચલાઉ ધોરણે થંભી ગયાના નિર્દેશોના નિર્દેશો સાથે નાકાબંધી ચાલુ રાખવા જાહેરાત પણ થઈ છે.

આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે કહૃાું કે તેઓ ઈરાન તરફથી પ્રસ્તાવ ન મળે ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવી રહૃાા છે. આનાથી લડાઈ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે અને મધ્યસ્થી પાકિસ્તાનને અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો નવો રાઉન્ડ ગોઠવવા માટે સમય મળ્યો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ સમજે છે કે ઈરાની સરકાર ખૂબ જ વિભાજિત છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફે યુદ્ધવિરામ લંબાવવાની વિનંતી કરી છે. તેમને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમના નેતાઓ અને પ્રતિનિધિઓ સર્વસંમતિથી પ્રસ્તાવ ન લાવે ત્યાં સુધી ઈરાન પર હુમલો ન કરે.

પાકિસ્તાનની વિનંતી પર, હું યુદ્ધવિરામ લંબાવી રહૃાો છું જ્યાં સુધી ઈરાન તેનો પ્રસ્તાવ રજૂ ન કરે અને ચર્ચાઓ પૂર્ણ ન થાય, પછી ભલે તેનું પરિણામ ગમે તે હોય. મેં મારા સૈન્યને નાકાબંધી જાળવી રાખવા અને અન્ય તમામ બાબતો માટે તૈયાર રહેવા સૂચના આપી છે.

યુએસ વાટાઘાટ ટીમનું નેતૃત્વ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની પાકિસ્તાનની આયોજિત મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાન પર અમેરિકાની નાકાબંધી પણ યથાવત છે.

પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે કહૃાું છે કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો યુદ્ધવિરામ લંબાવવાની પાકિસ્તાનની વિનંતી સ્વીકારવા બદલ હ્ય્દયપૂર્વક આભાર માને છે જેથી ચાલુ રાજદ્વારી પ્રયાસો આગળ વધી શકે. પાકિસ્તાન આ સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલવા માટે તેના સંપૂર્ણ પ્રયાસો ચાલુ રાખશે.

ઉલ્લેખનિય છે કે, યુએસએ અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઇરાન પર હુમલો કરીને યુદ્ધ શરૂ કર્યું, જે લગભગ છ અઠવાડિયા સુધી ચાલ્યું. આખરે ૮ એપ્રિલે ઇરાન અને યુએસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. દરમિયાન, ૧૧ એપ્રિલે પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી, પરંતુ તે અનિર્ણિત રહી હતી. હાલ પૂરતો યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો છે. અને યુદ્ધ થંભી ગયુ છે. હોર્મુઝની નાકાબંધી ચાલુ છે.

આ તરફ યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાની અમેરિકાની જાહેરાતને તણાવ ઘટાડવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે કહૃાું કે આ જાહેરાત ઈરાન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી અને વિશ્વાસ નિર્માણ માટે જરૂરી જગ્યા બનાવશે. અમે તમામ પક્ષોને આ ગતિ જાળવી રાખવા અને યુદ્ધવિરામને નબળી પાડી શકે તેવી ક્રિયાઓ ટાળવા અપીલ કરીએ છીએ.

જો કે, હોર્મુઝ સંકટ યથાવત રહેવાથી આખી દુનિયામાં દ્ધિધા અને અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે.