લોકસભાના વિશેષ સત્રમાં બંધારણ(131મો સુધારો) બિલ,2026 પસાર ન થતા હવે દેશમાં મહિલા અનામત મુદ્દે રાજકીય ધમાસાણ તેજ બન્યું છે. સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા માગ કરી છે કે, સરકાર ફરીથી જૂનું મહિલા અનામત બિલ લાવે, જેને અગાઉ તમામ પક્ષોનું સમર્થન મળ્યું હતું.
આજે સવારે પ્રેસ-કોન્ફરન્સ યોજીને મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પડકાર ફેંક્યો કે, ‘સોમવારે જ સંસદ બોલાવો અને જૂનું બિલ રજૂ કરો, પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે. અમે સૌ તમને વોટ આપીશું અને સમર્થન કરીશું.’ વિપક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ હવે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી થયું છે કે વિપક્ષ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને જણાવશે કે તેઓ અનામતના પક્ષમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી.
પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહૃાું કે, ‘અનામત એ મહિલાઓનો અધિકાર છે અને વડાપ્રધાને તેને વસ્તી ગણતરી તથા સીમાંકન સાથે જોડીને પોતાને ‘મહિલાઓના મસીહા’ તરીકે રજૂ કરવાનો જે ખોખલો પ્રયાસ કર્યો હતો, તે આજે નિષ્ફળ રહૃાો છે. આજે વિપક્ષે એકતા બતાવીને લોકશાહીનું રક્ષણ કર્યું છે. જો આ બિલ પસાર થઈ ગયા હોત, તો દેશમાં લોકશાહીના અસ્તિત્વ પર જોખમ આવી શકે તેમ છે.’
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે લોકસભામાં સરકાર આ બિલ પસાર કરાવી શકી નહોતી. આ બિલમાં સંસદની બેઠકો 543 થી વધારીને 850 કરવાની જોગવાઈ હતી. 21 કલાકની ચર્ચા પછી થયેલા મતદાનમાં હાજર 528 સાંસદોમાંથી પક્ષમાં 298 અને વિરોધમાં 230 વોટ પડ્યા હતા. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે 352 વોટની જરૂર હતી, જેના કારણે આ બિલ 54 મતોથી પડી ગયું હતું. હવે વિપક્ષના આક્રમક વલણ બાદ સોમવારની રાજનીતિ પર આખા દેશની નજર છે.
