વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસ: સુરત પોલીસ-SOGનાં નશા મૂક્તિ અભિયાન અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલી, રાકેશ સૈનીનો અનોખો વર્લ્ડ રેકોર્ડ, નશામુક્તિનો અપાયો શક્તિશાળી સંદેશ

વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસની ઉજવણી નિમિત્તે યુથ નેશન દ્વારા સુરતમાં ભવ્ય ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રાખી તેમને પોતાના સપના, શોખ અને જુસ્સા તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવાનો હતો.

આ અવસરે સુરતના જાણીતા સ્ટ્રેન્થ પરફોર્મર રાકેશ સૈની (અક્કી)એ પોતાના અદમ્ય આત્મવિશ્વાસ અને અસાધારણ સાહસનું અનોખું પ્રદર્શન કર્યું. તેમણે માત્ર દાંતના બળે એક સાથે 8 કારને 100 મીટર સુધી ખેંચીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ યુવાનો માટે એક શક્તિશાળી સંદેશ બની કે જો જીવનમાં સાચો નશો કરવો હોય તો તે પોતાના શોખ, મહેનત અને જુસ્સાનો કરવો જોઈએ, કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનો નહીં.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વ્યક્તિનું સ્વાસ્થ્ય, પરિવારનું સુખ અને સમગ્ર સમાજનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. જ્યારે સકારાત્મક વિચારસરણી, રમતગમત, શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યુવાનોને સફળતા તરફ દોરી જાય છે.

વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસ એટલે કે 26 જૂન નિમિત્તે સુરત પોલીસ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર શહેરમાં “નશાને કહીએ ના, સ્વસ્થ જીવનને કહીએ હા” અને “જાગૃત યુવા, નશામુક્ત ભારત” જેવા સંદેશો સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં યુવા પેઢીને નશાથી દૂર રહી પોતાના જીવનમાં સકારાત્મક લક્ષ્યો નક્કી કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે યુવાનો દેશની સૌથી મોટી તાકાત છે અને તેઓ નશાના રવાડે ચઢે નહીં તે માટે સમાજ, પરિવાર અને પોલીસ સૌએ મળીને કાર્ય કરવાની જરૂર છે. તેમણે ડ્રગ્સ સામે કડક કાર્યવાહીની સાથે જાગૃતિ પણ એટલી જ જરૂરી હોવાનું જણાવ્યું.

કાર્યક્રમમાં ક્રાઈમ બ્રાન્ચના ભાવેશ રોજીયા, શહેર પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓ, સામાજિક આગેવાનો તથા અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ અભિયાનને સમર્થન આપ્યું હતું.

એસઓજી પીઆઈ અતુલ સોનારાની ટીમની પ્રશંસનીય કામગીરી

આ સમગ્ર જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં સુરત એસઓજીના પીઆઈ અતુલ સોનારા તથા તેમની ટીમની મહેનત અને આયોજન ખાસ નોંધપાત્ર રહ્યું હતું. કાર્યક્રમના સુચારુ સંચાલનથી લઈને લોકો સુધી નશામુક્તિનો સંદેશ પહોંચાડવામાં તેમની ટીમે સતત જહેમત ઉઠાવી હતી.

પીઆઈ અતુલ સોનારાએ લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે ડ્રગ્સ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ જીવનને અંધકાર તરફ ધકેલી દેતો સૌથી મોટો શત્રુ છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી હતી કે પોતાના પરિવારના સપના, માતા-પિતાની આશાઓ અને પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નશાથી હંમેશા દૂર રહેવું જોઈએ. જો સમાજનો દરેક વ્યક્તિ ડ્રગ્સ સામે જાગૃત બની આગળ આવશે તો સુરતને સંપૂર્ણ નશામુક્ત બનાવવાનું સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે ક્યાંય પણ ડ્રગ્સ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સમાજને સુરક્ષિત બનાવવામાં સહભાગી બનવું જોઈએ.

કાર્યક્રમના અંતે સૌએ એકસાથે સંકલ્પ લીધો કે…

  • “નશાને કહીએ ના, સ્વસ્થ જીવનને કહીએ હા.”
  • “શોખ, સપના અને જુસ્સાનો નશો જ જીવનને સફળ બનાવે છે; ડ્રગ્સનો નહીં.”
  • “જાગૃત યુવા – નશામુક્ત ભારત, એ જ આપણી સાચી ઓળખ.”

વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે 26 જૂન, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે સુરતના વાય જંક્શન ખાતે યુથ નેશન, સુરત પોલીસ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને નશામુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.