પેટ્રોલ-ડીઝલ પછી હવે સીએનજીમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારાયા છે, જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. પ્રતિકિલો બે રૂપિયાનો ભાવવધારો આજે ઝીંકાયો છે.
ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથ્લપાથલને કારણે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ફરી એકવાર સીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા બે અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં આ ત્રીજો ભાવવધારો છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી સૈન્ય અસ્થિરતા આપણા રસોડા અને પ્રવાસના બજેટને કેવી રીતે પ્રભાવિત કરે છે. નવા દરો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.
દિલ્હીમાં હવે સીએનજીના ભાવમાં પ્રતિકિલો 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે દિલ્હીમાં સીએેનજીની કિંમત રૂ।. 83.09 એ પહોંચી ગઈ છે. માત્ર 11 દિવસના ગાળામાં આ ત્રીજો ઝટકો છે.
આ પહેલા શનિવારે પ્રતિકિલો રૂ।. 1 અને 15 મેના 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 15 મે થી અત્યાર સુધીમાં સીએનજી પૂરા પાંચ રુપિયા મોંઘુ થઈ ચૂક્યું છે. આ કારણે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.
માત્ર દિલ્હી જ નહીં, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ કિંમતો વધીને 88.70 થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સીએનજીના ભાવ હવે રૂ।. 84 અ પહોંચી ગયા છે. આ માત્ર સીએનજી પૂરતી મર્યાદિત આફત નથી.
ત્રણ દિવસ પહેલા જ શનિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહિનાનો ત્રીજો વધારો ઝીંકાયો હતો. પેટ્રોલમાં પ્રતિલિટર 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરાયો છે.
