બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને ગુરુવારે કલકત્તા હાઈકોર્ટમાં ભારે વિરોધ અને સૂત્રોચ્ચારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પછીની હિંસા સંબંધિત કેસની દલીલ કરવા માટે જ્યારે તેઓ કોર્ટરૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે વકીલોના એક જૂથે તેમને ઘેરી લીધા અને તેમના વિરુદ્ધ “ચોર, ચોર” ના નારા લગાવ્યા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સૂત્રોચ્ચાર દરમિયાન કેટલીક અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તંગ પરિસ્થિતિ વચ્ચે, મમતા બેનર્જીએ વકીલો તરફ ઈશારો કરીને કહ્યું, “આ લોકોએ મને માર્યો છે.” કોર્ટમાં, મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળ “બુલડોઝર સ્ટેટ” નથી અને કાયદાના દાયરામાં કાર્યવાહી થવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે કેસોને રાજકીય બદલો તરીકે ન જોવો જોઈએ. પોલીસે કોર્ટને કહ્યું કે બધી ઘટનાઓ ચૂંટણી પછી બનતી નથી અને તમામ કિસ્સાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ગુરુવારે સવારે, મુખ્ય ન્યાયાધીશ સુજય પાલની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ ચૂંટણી પછીની હિંસા સંબંધિત જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી ચાલી રહી હતી. મમતા બેનર્જી સવારે 11 વાગ્યાની આસપાસ વકીલ શિર્ષમણ્ય બેનર્જી દ્વારા દાખલ કરાયેલા કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાઇકોર્ટમાં પહોંચ્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ, ભાજપ પહેલીવાર બંગાળમાં સત્તામાં આવ્યો. ચૂંટણી પરિણામો પછી, રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસા, આગચંપી અને રાજકીય હુમલાના આરોપો નોંધાયા હતા, જેના કારણે કોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
ટીએમસી મમતાને યોદ્ધા ગણાવ્યા
તૃણમૂલ કોંગ્રેસે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મમતા બેનર્જીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ મુશ્કેલ સમયમાં બંગાળના લોકોને ક્યારેય ત્યજી દેતા નથી. પાર્ટીએ કહ્યું કે તેઓ સત્ય, ન્યાય અને બંધારણીય મૂલ્યો માટેની લડાઈમાં સતત મોખરે ઉભા છે.
મમતાએ 1982માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો
નોંધનીય છે કે મમતા બેનર્જીએ 1982માં જોગેશ ચંદ્ર લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની પાસે બેચલર ઓફ આર્ટ્સ, બી.એડ. અને માસ્ટર ડિગ્રી પણ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે કોર્ટમાં મમતા બેનર્જીની સક્રિય હાજરી માત્ર કાનૂની રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. દરમિયાન, ભાજપના નેતાઓએ તેને “રાજકીય નાટક” ગણાવીને ફગાવી દીધું છે અને ચૂંટણી પછીની હિંસાના પીડિતો માટે ન્યાયની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.
