દેશભરમાં હાલ અસહ્ય ગરમીનો માહોલ છે. અનેક શહેરોમાં તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ પરિસ્થિતિ પાછળનું એક મુખ્ય કારણ અલનીનો છે, જે આ વખતે અસામાન્ય રીતે વધુ શક્તિશાળી બની રહ્યું છે. 1877 પછી પહેલીવાર આટલી તીવ્ર અસર જોવા મળી શકે છે. તે સમયગાળામાં દુનિયાભરમાં ગરમીની લહેર, દુકાળ અને મહામારી ફેલાઈ હતી, જેના કારણે વિશ્વની લગભગ 4 ટકા વસ્તી અસરગ્રસ્ત બની હતી. હવે વૈજ્ઞાનિકો 2026-27 દરમિયાન આવી જ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે તેવી ચેતવણી આપી રહ્યા છે.
હાલ પ્રશાંત મહાસાગરમાં લગભગ 8046 કિલોમીટર સુધી ગરમીની લહેર ફેલાઈ ગઈ છે, જે માઈક્રોનેશિયા થી શરૂ થઈને કેલિફોર્નિયા સુધી પહોંચી ગઈ છે. કેલિફોર્નિયા નજીક આ પરિસ્થિતિને “ધ બ્લોબ” તરીકે ઓળખવામાં આવે છે. અહીં દરિયાઈ સપાટીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતો મુજબ, આ સ્થિતિ અલ નીનોને વધુ મજબૂત બનાવી રહી છે, જેના કારણે વૈશ્વિક હવામાન પેટર્નમાં મોટો ફેરફાર આવી રહ્યો છે અને સમુદ્રી જીવસૃષ્ટિ પણ અસરગ્રસ્ત થઈ રહી છે.
1877-78નું અલ નીનો ઇતિહાસમાં સૌથી વિનાશકારી માનવામાં આવે છે. તે સમય દરમિયાન ગરમી, દુકાળ અને પાકના નાશને કારણે લાખો લોકોના જીવ ગયા હતા. હવે 2026માં પણ આથી વધુ તીવ્ર અલનીનો સર્જાઈ શકે છે, જેના કારણે 2027માં વૈશ્વિક તાપમાન નવા રેકોર્ડ સ્થાપિત કરી શકે છે. જળવાયુ પરિવર્તન આ ખતરને વધુ ગંભીર બનાવી રહ્યું છે.
વિશ્વભરમાં અલ નીનોની અસર અલગ અલગ રીતે જોવા મળશે. ઓસ્ટ્રેલિયા, ભારત, આફ્રિકા અને એમેઝોન વિસ્તારમાં દુકાળ અને ગરમી વધશે, જ્યારે દક્ષિણ અમેરિકામાં ભારે વરસાદ અને પૂર આવી શકે છે. ઉત્તર અમેરિકામાં ગરમીનું પ્રભુત્વ રહેશે. આ પરિસ્થિતિથી કૃષિ પર ભારે અસર પડશે અને ખાદ્ય ઉત્પાદન ઘટી શકે છે.
ભારતમાં અલ નીનોની અસર ખાસ કરીને ગંભીર બની શકે છે. 2026માં સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાશે. પ્રી-મોન્સૂન સમયગાળામાં તાપમાન વધારે રહેશે અને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ ઓછો પડી શકે છે. જેના કારણે દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં. ખેતી પર સીધી અસર પડશે અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી બચાવવું, દુકાળ મેનેજમેન્ટ અને પાક વીમા પર ધ્યાન આપવું જરૂરી બનશે. ખેડૂતોને ઓછા વરસાદમાં ટકી શકે એવા પાક વાવવાની સલાહ આપવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકો સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જો અલનીનો “સુપર લેવલ” સુધી પહોંચશે તો તેની અસર 2027 સુધી રહી શકે છે.
અલ નીનો શું છે?
અલ નીનો એક હવામાન સંબંધિત પ્રકૃતિ છે, જે પ્રશાંત મહાસાગરના પાણીના તાપમાનમાં ફેરફારને કારણે સર્જાય છે. જ્યારે સમુદ્રનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંતમાંથી પૂર્વ પ્રશાંત તરફ ખસે છે, ત્યારે વૈશ્વિક હવામાનમાં મોટો ફેરફાર થાય છે. ભારત માટે ખાસ કરીને તે ચોમાસા પર અસરકારક છે, જેના કારણે વરસાદમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે અલનીનો દરમિયાન ભારતમાં દુકાળ પડવાની સંભાવના લગભગ 60 ટકા હોય છે.
