સુરતની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ) આજે ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે ગૌરવ માટે નહીં, પરંતુ ચિંતાજનક પરિસ્થિતિઓને લઈને.
એક સમય હતો જ્યારે આ સંસ્થાના ઘડતરમાં સમાજસેવીઓએ “લોહીનું પાણી” કર્યું હતું. સુરતના વરિષ્ઠ પત્રકાર અને સમાજના માર્ગદર્શક મર્હુમ સૈયદ ઝહીરુદ્દીન બુખારીએ શાળાના વિકાસ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. તેમની સાથે સૈયદ અહેમદ બગદાદીએ પણ સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. આજે, દુઃખની વાત એ છે કે આવા મહાન યોગદાન આપનારા લોકો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ થતો જોવા મળે છે, જે અત્યંત નિંદનીય છે.
એ તો સારું થયું કે પ્રમુખ પદે આવેલા ફારુક ચાંદીવાલા-સૈયદ અહેમદ બગદાદીએ એંગ્લોના એક મેઈન ગેટને મર્હુમ સૈયદ ઝહીરુદ્દીન બુખારી ગેટ નામ આપ્યું, નહિંતર આ ધનવાનોમાંથી કોઈ એકનું નામ આ ગેટ પર લખી દેવામાં આવ્યું હોત. સૈયદ ઝહીરુદ્દીન બુખારી જેવા અજાત શત્રુ અને નિખાલસ વ્યક્તિની સામે ચૂંટણી લડીને નસીમ કાદરી પ્રમુખ બન્યા હતા.
આ સંસ્થાની એક ખાસ ઓળખ તેની માનવતાવાદી નીતિ રહી છે. આર્થિક સ્થિતિ નબળી હોય કે ન હોય, બાળકોને ધોરણ 10 સુધી શિક્ષણ મળે તે માટે 100 ટકા ફી માફી કરવાની વિચારધારા. ઉદ્દેશ સ્પષ્ટ હતો કે કોઈપણ મુસ્લિમ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. બાળકો જ નહીં પણ વાલીઓમાં પણ શિક્ષણની ભૂખ વધે તેવા પ્રયાસો સૈયદ ઝહીરુદ્દીન બુખારીએ કર્યા હતા. 100 ટકા ફી માફીનું જોખમ ટાંચા આર્થિક સાધનો વચ્ચે પણ તેમણે ખેડ્યા હતા. આજે શું છે….જાણે આ ધનવાનો સમાજ ઉપર મોટો ઉપકાર કરતા હોય તે રીતે વર્તૂણંક કરે છે. પણ એ ક્યાંક ભાન ભૂલી જાય છે કે તેઓ શું કરી રહ્યા છે.
પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં સંસ્થાની દિશા અંગે અનેક સવાલો ઊભા થયા છે. સંચાલનમાં રહેલા ધનવાન વર્ગ દ્વારા શૈક્ષણિક વિકાસ કરતાં વધુ ભાર આનંદ મેળા, સ્પર્ધાઓ, હાર-તોરા, ફોટો સેશન અને દેખાવ પર મૂકાયો હોવાનો આક્ષેપ છે.
ત્રણ વર્ષમાં 1.29 કરોડ રૂપિયાની ફી માફીનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં પણ આશરે 40 ટકા ફી માફી શાળાના વિદ્યાર્થીઓના જ ફંડમાંથી કરવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ, કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા દાતાઓએ સંસ્થાના મૂળભૂત વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું નથી તેવી ટીકા થાય છે.
મહેશ સવાણીના ટ્રસ્ટ દ્વારા 250 વિદ્યાર્થીઓને દત્તક લેવાની કામગીરી સરાહનીય છે, પરંતુ કુલ મળીને સંસ્થાના ઢાંચાગત અને શૈક્ષણિક વિકાસમાં ગાબડાં જોવા મળે છે.
શાળામાં નવા વર્ગખંડો અને વિવિધ માધ્યમો શરૂ કરવામાં આવ્યા હોવા છતાં, ધોરણ 8 પછી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. ધોરણ 10માં વર્ગખંડોની સંખ્યા માત્ર 4 સુધી સીમિત રહી જાય છે અને ધોરણ 12માં તો માત્ર 2 વર્ગખંડ બાકી રહે છે. આ વધતો ડ્રોપઆઉટ રેટ ગંભીર ચિંતાનો વિષય છે. બાળકોની 30 ટકા ફી કરીને મોટી સેવા કરવાની ડંફાશ મારતા આ ધનવાનો કે અમીરે શહેરોએ શાળાના વિકાસનાં ડૂચા કાઢી નાંખ્યા છે. મોટી મોટી ડંફાશો માત્રને માત્ર ધુપ્પલ સાબિત થઈ છે.
એંગ્લોની નવી શાખા ખોલવા, કોલેજ બનાવવાની વાતો, શાળાને આર્થિક રીતે સદ્વર કરવાની વાત, શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા સહિતની વાતો દોદળી પુરવાર થઈ છે. સ્માર્ટ ક્લાસ હોવા છતાં બાળકોને મોબાઈલ પર હોમવર્ક આપીને મોબાઈલ પર બિઝી કરી દેનારા શિક્ષકો શાળામાં શું અભ્યાસ કરાવે છે, એ સવાલ ઉભો થાય છે. ફીને લઈ હોદ્દેદારો, મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા ન સહન કરી શકાય તેવી રંજાડ અને ત્રાસનો ભોગ વાલીઓ અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે. તોછડાઈ અને ઉદ્વતાઈ કોઠે પડી ગઈ છે કે શું? ફી માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ક્લાસ રુમની બહાર કે પછી પાટલા પર બબ્બે ક્લાક સુધી ઉભા રાખવાના કિસ્સા નોંધાયા છે. જાહેરમાં અન્ય વિદ્યાર્થીઓની સામે તેમનો ફજેતો કરવામાં આવે છે. કાં તો આ બધું જાણી જોઈને કરવામાં આવે છે અથવા તો ફરિયાદ તરફ આંખ મિચામણા કરવામાં આવે છે. સૈયદ ઝહીરુદ્દીન બુખારી અને સૈયદ અહેમદ બગદાદી આવા સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓને યાદ આવે તે સ્વભાવિક છે.
આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છેકે સંસ્થાના વિકાસ માટે જવાબદાર ગણાતા ધનવાન વર્ગે વાસ્તવમાં શું યોગદાન આપ્યું? શું શૈક્ષણિક મૂલ્યો અને મૂળભૂત ઉદ્દેશોથી સંસ્થા દૂર જઈ રહી છે?
સમાજ અને સંચાલકો માટે આ એક ચેતવણીરૂપ પરિસ્થિતિ છે, જેમાં સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સંસ્થાનું ભવિષ્ય વધુ જોખમમાં મુકાઈ શકે છે.
