‘બુલેટ ટ્રેન’માં માણો સ્વાદિષ્ટ ભોજનની મોજ, અનોખા થીમ રેસ્ટોરન્ટની લિજ્જતદાર વાતો

છેલ્લા થોડા વરસથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એની શરૂઆત જ્યારે થાય ત્યારો પણ વડોદરાવાસીઓ તો બુલેટ ટ્રેનની મોજ અત્યારથી જ માણી રહ્યા છે. કારણ, વડોદરાના સેવન સીઝ મૉલમાં હવે માત્ર શોપિંગ નહીં, પણ ‘બુલેટ ટ્રેન’નો અનોખો અનુભવ પણ મુલાકાતીઓ માણી શકે છે! શહેરના રિયલ એસ્ટેટના અગ્રણી અગ્રવાલ ફૅમિલી દ્વારા શરૂ કરાયેલું આ થીમ રેસ્ટોરન્ટ આજકાલ ભારે ચર્ચામાં છે. ટેક્નોલૉજી અને કલ્પનાશક્તિના સંયોજનથી બનેલું આ રેસ્ટોરન્ટ લોકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યું છે.

વડોદરાના રહેવાસી અગ્રવાલ પરિવારનો મુખ્ય વ્યવસાય કન્સ્ટ્રક્શનનો છે. બિલ્ડર અને આર્કિટેક્ટ તરીકે વિખ્યાત એવા અગ્રવાલ પરિવારની નવીનતા માટેની ઝંખનાએ તેમને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પગલું ભરવા પ્રેર્યા. પોતાના મૉલમાં ઉપલબ્ધ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને કંઈક અલગ અને આકર્ષક સર્જવાનો વિચાર આ પ્રોજેક્ટનો આધાર બન્યો.

‘બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ’ અંગે જાણકારી આપતા વિરાજ અગ્રવાલે જણાવ્યું કે, થીમ આધારિત રેસ્ટોરન્ટ મૂળ વિચાર મારા પિતા અને જાણીતા આર્કિટેક્ટ વિજય અગ્રવાલનો હતો. ચીનમાં બુલેટ ટ્રેનના અનુભવથી એટલા પ્રભાવિત થયા કે વડોદરામાં પણ એવું કંઈક બનાવવાની ઈચ્છા જન્મી. પરિણામે, એક એવું રેસ્ટોરન્ટ તૈયાર થયું જ્યાં ગ્રાહકો સ્વાદિષ્ટ વાનગીઓની સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરીનો મજેદાર અનુભવ લઈ શકે.

ખાસ વાત એ છે કે રેસ્ટોરન્ટની અંદર બારીના સ્થાને મુકાયેલા વિડિયો સ્ક્રીન પર વડોદરા મુંબઈ દરમિયાન જોવા મળતા જીવંત દૃશ્યો બતાવવામાં આવે છે, જે અનુભવને વધુ રિયલ બનાવે છે. 15 માર્ચે શરૂ થયેલી આ રેસ્ટોરન્ટને શરૂઆતથી જ લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ‘બુલેટ ટ્રેન’ નામ સાંભળીને જ લોકો અહીં પહોંચે છે અને સ્વાદિષ્ટ પ્યોર વેજ મલ્ટિ-ક્યુઝિન ભોજનનો આનંદ લે છે.


રેસ્ટોરન્ટના ભાવ પણ ખૂબ જ વ્યાજબી રાખવામાં આવ્યા છે, જેથી દરેક વર્ગના લોકો આ અનુભવ માણી શકે. સાથે જ, નાની-મોટી પાર્ટી અને ઈવેન્ટ માટે પણ અહીં સુવિધા ઉપલબ્ધ છે.

મંચ કેટરર્સ અને નાગપુરના વૈદેહી કિચનના માર્ગદર્શનથી તૈયાર થયેલું આ રેસ્ટોરન્ટ હવે વડોદરાની ઓળખ બની રહ્યું છે… જ્યાં સ્વાદ અને સફરનો આહલાદક અનુભવ પણ મળે છેય