અમેરિકાની સુપ્રિમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠરાવ્યો, તેમાં ભારતીય મૂળના ધારાશાસ્ત્રી નીલ કાત્યાલની ધારદાર દલીલો કારણભૂત હતી.
અમેરિકાના ન્યાયિક ઈતિહાસમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો ઉલટફેર જોવા મળ્યો અને અમેરિકન સુપ્રિમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપતા તેમના ટેરિફ લાદવાના નિર્ણયને રદ્ કરી દીધો તેમજ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જનતા પર ટેરિફ કે ટેક્સ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ (સંસદ) પાસે છે, અમેરિકન પ્રમુખ પાસે નહીં, તે પ્રકારના ઐતિહાસિક ચૂકાદામાં ટ્રમ્પ વિરૂદ્ધ કાનૂની લડાઈ લડવાનો શ્રેય એક ભારતીય મૂળના ધારાશાસ્ત્રી નીલ કાત્યાલને જાય છે.
કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે. નીલ કાત્યાલે સુપ્રિમ કોર્ટમાં ૧૯૭૭ ના ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ’ના દુરઉપયોગ અંગે ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રમ્પનો આ નિર્ણય સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.
કોર્ટના ચૂકાદા પછી કાત્યાલે ગર્વ સાથે કહ્યું કે, ‘આજે અમેરિકામાં કાયદાનું શાસન સર્વોપરી સાબિત થયું છે. પ્રમુખ ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ તેઓ બંધારણથી ઉપર નહીં.’ આ કેસ નાના વેપારીઓએ સાથે મળીને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચાડ્યો હતો, જેની રજૂઆત કાત્યાલે એટલી મજબૂત રીતે કરી કે કોર્ટે બંધારણીય મર્યાદાઓને પ્રાધાન્ય આપ્યું.
ઉલ્લેખનિય છે કે, નીલ કાત્યાલના માતા-પિતા મૂળ ભારતીય હતાં, જેઓ અમેરિકા સ્થાયી થયા હતાં. કાત્યાલનો જન્મ શિકાગોમાં થયો હતો. તેમના માતા-પિતા ડોક્ટર અને એન્જિનિયર હોવા છતાં નીલે કાયદાના ક્ષેત્રમાં જસ્ટિસ સ્ટીફન બ્રેયર સાથે કામ કરીને અનુભવ મેળવ્યો. ર૦૧૦ માં બરાબ ઓબામાએ તેમને કાર્યકારી સોલિસિટર જનરલ બનાવ્યા હતાં.
લઘુમતી વકીલ તરીકે અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં સૌથી વધુ કેસ લડનારા તેઓ પ્રથમ વ્યક્તિ છે. અગાઉ તેમણે વોટિંગ રાઈટ એક્ટ અને ટ્રમ્પના ટ્રાવેલ બેન વિરૂદ્ધ પણ મજબૂત લડાઈ લડી હતી. તેમની અસાધારણ સેવાઓ માટે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને નાગરિક સન્માન પણ આપવામાં આવ્યું છે અને ફોર્બ્સ જેવી સંસ્થાઓએ પણ તેમને વિશ્વના ટોચના વકીલોની યાદીમાં સ્થાન આપ્યું છે.
