બીજા તબક્કામાં 12 રાજ્યોની 88 બેઠકો પર 1206 ઉમેદવારો મેદાનમાં

બીજા તબક્કાની હાઈપ્રોફાઈલ બેઠક પર વાયનાડમાં રાહુલ ગાંધીની પરીક્ષા થશે, જ્યારે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. આવતીકાલે 26 એપ્રિલે રાજસ્થાનના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોનું ભાવિ પણ જનતા નક્કી કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ત્રીજી વખત કોટાથી ચૂંટણી લડી રહ્યા છે. મથુરાથી હેમામાલિની અને મેરઠથી લડતા અરૃણ ગોવિલ પર સૌની નજર છે.

લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. 24મી એપ્રિલની સાંજથી ઝુંબેશ બંધ થઈ ગઈ છે. 12 રાજ્યોની 88 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકો માટે કુલ 1206 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં ઘણાં દિગ્ગજ નેતાઓની વિશ્વસનિયતા પણ દાવ પર છે.
બીજા તબક્કામાં કેરળની તમામ 20 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકોમાંથી એક વાયનાડ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી બીજી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4,31,770 મતોથી ચૂંટણી જીતી હતી. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ રાહુલ ગાંધી સામે મહિલા ઉમેદવાર એની રાજાને મેદાનમાં ઉતાર્યા છે.

દરમિયાન પીઆર કૃષ્ણકુટ્ટી બહુજન સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી સામે ભાજપ, સુરેન્દ્રન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વાયનાડમાં પાંચ અપક્ષ સહિત કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે.

છત્તીસગઢની રાજનાંદગાંવ લોકસભા સીટ બીજા તબક્કાની હાઈ-પ્રોફાઈલ સીટોમાંથી એક છે. કોંગ્રેસે અહીંથી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ટિકિટ આપી છે. દુર્ગના રહેવાસી બઘેલની પ્રતિષ્ઠા અહીં દાવ પર છે. ભૂપેશ સામે ભાજપના સંતોષ પાંડે છે.બસપાએ અહીં દેવલાલ સિંહાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

રાજનાંદગાંવથી સાત અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકની માંડ્યા લોકસભા સીટ પર પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીની વિશ્વસનિયતા દાવ પર છે. કુમારસ્વામીની પાર્ટી જનતા દળ (સેક્યુલર) લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધનમાં છે.

માંડ્યા લોકસભા સીટ પર કોંગ્રેસે તેમની સામે વેંકટરામન ગૌડાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે સાત અપક્ષ સહિત કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. કેરળની તિરૃવનંતપુરમ્ સીટની પણ સમગ્ર દેશમાં ચર્ચા છે. કેન્ગ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્ગ્રીય મંત્રી શશિ થરૃર સામે છે. ભારતીય કોમ્યુનિટી પાર્ટીએ પન્યાન રવિન્દ્રનને ટિકિટ આપી છે. બસપા તરફથી એડવોકેટ રાજેન્દ્રન પણ ચૂંટણીની રેસમાં ઉતર્યા છે. અહીંથી સાત અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

રાજસ્થાનની જોધપુર લોકસભા સીટ પર પણ 26મી એપ્રિલે મતદાન છે. કેન્ગ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. શેખાવતને બીએસપી તરફથી મંજુ મેઘવાલ અને કોંગ્રેસના કરણસિંહ ઉચિરાડાનો પડકાર છે. જોધપુર બેઠક માટે છ અપણ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા રાજસ્થાનની કોટા લોકસભા સીટથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ તેઓ આ બેઠક પરથી 2014 અને 2019 ની લોકસભા ચૂંટણી જીત્યા હતાં. કોંગ્રેસે ઓમ બિરલાની સામે પ્રહ્લાદ ગુંજાલને ટિકિટ આપી છે. બસપાના ધનરાજ યાદવ પણ નસીબ અજમાવી રહ્યા છે. આ બેઠક માટે નવ અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો મેદાનમાં છે.

બધાની નજર ઉત્તરપ્રદેશની ગૌતમ બુદ્ધનગર લોકસભા સીટ પર છે, કારણ કે પૂર્વ કેન્ગ્રીય મંત્રી ડો. મહેશ શર્મા અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ ડો. મહેન્દ્રસિંહ નાગરને ટિકિટ આપી છે. બસપા તરફથી રાજેન્દ્રસિંહ સોલંકી ઉમેદવાર છે. અહીંથી ચાર અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કેરળની અટ્ટિંગલ લોકસભા સીટ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી વી. મુરલીધરનની પ્રતિષ્ઠા દાવ પર છે. કોંગ્રેસે તેમની સામે અદુર પ્રકાશને ઉમેદવાર બનાવ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા તરફથી એડવોકેટ વી. જોય અને બસપા તરફથી એડવોકેટ સુરભી એસ. પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ બેઠક પર ત્રણ અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારોએ ચૂંટણી લડી છે.

રાજસ્થાનની ઝાલાવાડ-બારા લોકસભા સીટને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો ગઢ માનવામાં આવે છે. 2009 થી અત્યાર સુધી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ અહીંથી સાંસદ છે. દુષ્યંતસિંહ ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે ઉર્મિલા જૈનને અને બસપાએ ચંદ્રસિંહ કિરારને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ત્રણ અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજસ્થાનની જાલોર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે. ભાજપે વૈભવની સામે લુમ્બરમને મેદાનમાં ઉતાર્યા છે. છ અપક્ષ સહિત 12 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ફિલ્મ અભિનેત્રી હેમામાલિની ભાજપે ત્રીજી વખત મથુરા સીટ પરથી હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યા છે. તે અહીંથી બે વખત જીતી પણ ચૂકી છે. હેમામાલીનીને કોંગ્રેસના ધનગર અને બસપાના સુરેશસિંહનો પડકાર છે. મથુરા બેઠક પરથી 10 અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રામાયણના ‘રામ’ અરૃણ ગોવિલ ઉત્તરપ્રદેશની મેરઠ લોકસભા બેઠકઠ પરથી ભાજપની ટિકિટ પર પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. તેમની સામે સપાએ સુનિતા વર્માને અને બસપાએ દેવવ્રત કુમાર ત્યાગીને મેદાનમાં ઉતાર્યા છે. અહીંથી કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે.

કર્ણાટકની મૈસુર લોકસભા સીટ પર રાજવી પરિવારના પૂર્વ સભ્ય પર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યદુીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમના રાજ્ય પ્રવક્તા એમ લક્ષ્મણને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે આઠ અપક્ષ સહિત 18 ઉમેદવારો મેદાનમાં છે.

બેંગલુરૃ દક્ષિણ લોકસભા બેઠક પર યુવા ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાની વિશ્વસનિયતા દાવ પર છે. તેજસ્વીએ ગત ચૂંટણી અહીંથી જીતી હતી. કોંગ્રેસે અહીં સૌમ્ય રેડ્ડીને ટિકિટ આપી છે. આ બેઠક માટે 12 અપક્ષ સહિત કુલ 22 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં બિહારની પૂર્ણિયા લોકસભા સીટ શરૃઆતથી જ ચર્ચામાં છે. રાષ્ટ્રીય જનતા દળએ અહીં બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. પપ્પુ યાદવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ આરજેડી સાથે વાતચીત સફળ થઈ નથી. હવે રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે આ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. બસપા તરફથી અરૃણ દાસ મેદાનમાં છે. અહીં કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે.