સ્ટેજ પર પરફોર્મ કરતી સિંગર સુનિધિ ચૌહાણ પર દર્શકે ફેંકી બોતલ

બોલિવુડની પાર્શ્વ ગાયિકા સુનિધિ ચૌહાણ ગીતોના રેકોર્ડિંગની સાથે કૉન્સર્ટ પણ કરતી રહે છે. તાજેતરમાં સુનિધિના એક કાર્યક્રમનું આયોજન દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું. કૉન્સર્ટમાં સુનિધિ પર્ફોર્મ કરી રહી હતી ત્યારે કોઈ દર્શકે પાણીની બોતલ ગાયિકા પર ફેંકી. બોતલ સુનિધિના હાથ પર લાગી. આ ઘટના બાદ સુનિધિએ જે પ્રતિક્રિયા આપી એની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.

છેલ્લા બે દાયકાથી પોતાના અવાજથી શ્રોતાઓને ઘેલા કરનાર ગાયિકા સુનિધિ ચૌહાણ એની ગાયકીની સાથે ફૅશન સેન્સ અને લાઇફ સ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. સુનિધિ સ્ટ્રેટ ફોર્વર્ડ છે અને કોઈ પણ વાતે રિએક્ટ કરવામાં પાછળ પડતી નથી. એનો આ સ્વભાવ દહેરાદૂનની કૉન્સર્ટ દરમિયાન પણ જોવા મળ્યો. એ કાર્યક્રમ આપી રહી હતી ત્યારે એક શખસે એના પર પાણીની બોતલ ફેંકી હતી. ચાલુ કાર્યક્રમે આવી ઘટના બને તો કોઈ પણ એનું મગજ ગુમાવી દે. પણ સુનિધિના કૂલ નેચરને જોઈ દર્શકો ગાયિકા પરઓવારી ગયા.

હકીકતમાં સુનિધિએ એનું પર્ફોર્મન્સ ચાલુ રાખ્યું. પરંતુ થોડી સેકન્ડ્સ બાદ એના પર્ફોર્મન્સના રિધમમાં બોતલ ફેંકનાર શખસને જવાબ પણ આપ્યો. સુનિધિએ કહ્યું, બોતલ ફેંકવાથી શું થશે એ બતાવો, શું શો અટકી જશે? શું તમારી એવી ઇચ્છા છે? એ સાથે ગાયિકાએ ઑડિયન્સને પૂછ્યું શું તમે એવું ઇચ્છો છો? ત્યારે બધાએ એકી અવાજમાં કહ્યું,નહીં. આ સમગ્ર ઘટના દરમિયાન સુનિધિ શાંત અને મલકાતી જોવા મળી હતી.