સુરત: અમાન્ય ઠરેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લાપતા, ભાજપમાં જોડાવાની અટકળો, કોંગ્રેસનું ઘર બહાર પ્રદર્શન

સુરત લોકસભા બેઠકના અમાન્ય કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગુમ થઈ ગયા છે. તેમનું ઉમેદવાર તરીકે નામાંકન કથિત વિસંગતતાને કારણે નામંજૂર કરવામાં આવ્યું હતું. નિલેશ કુંભાણીનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ તમામ હરીફ ઉમેદવારો ચૂંટણીમાંથી ખસી ગયા બાદ મુકેશ દલાલને ભાજપના ગઢમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હવે એવા અહેવાલ છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના કાર્યકરોએ કંભાણીના બંધ ઘરની બહાર પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, “લોકોનો ગદ્દાર”.
લોકસભામાં ભાજપની પ્રથમ બિનહરીફ જીત બાદ સુરતમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલે X પર એક પોસ્ટમાં કહ્યું કે સુરતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “પ્રથમ કમળ” સોંપ્યું છે. “હું અમારા ઉમેદવાર મુકેશ દલાલને સુરત લોકસભા સીટ પરથી બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન આપું છું.

પૂર્વ કાઉન્સિલરે બેનર સાથે વિરોધ શરૂ કર્યો છે. સરથાણામાં કુંભાણીના મકાનને 3 દિવસથી તાળા લાગેલા છે. આ સિવાય નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને ખબર નથી. કુંભાણી ક્યાં છે તે શહેર પ્રમુખને પણ ખબર નથી. જેમાં દિનેશ સાવલિયા અને ભારતી પટેલે વિરોધ નોંધાવ્યો છે. ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે કુંભાણીનો સંપર્ક તૂટી ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા સુરતની બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

કોંગ્રેસે ગુજરાતમાં સત્તાધારી ભાજપ પર ખોટો અને અયોગ્ય પ્રભાલ પાડવાનો આરોપ લગાવીને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે અને ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ કરી છે. પાર્ટીના પ્રવક્તા અભિષેક સિંઘવીએ સોમવારે ચૂંટણી કમિશનરોને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે ચૂંટણી પંચને સુરતમાં ચૂંટણી સ્થગિત કરવા અને ફરીથી ચૂંટણી કરાવવાની વિનંતી કરી છે જેથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવે કે તમે આવા અયોગ્ય પ્રભાવને મંજૂરી આપી શકતા નથી.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો હતો કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને ચાર પ્રસ્તાવકારો દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, “પરંતુ, અચાનક ચારેય ઊભા થયા અને તેમની સહીઓ કરી હોવાનો ઇનકાર કર્યો.આ કોઈ સંયોગ નથી. ઉમેદવાર ઘણા કલાકોથી ગુમ છે. અન્ય ઉમેદવારોએ પણ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ સુરત બેઠકનું પરિણામ પહેલેથી જ જાહેર થઈ ગયું હોવાથી હવે તે દિવસે 25 બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી.