EVM-VVPAT સુનાવણી: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- EVM સાથે છેડછાડ શક્ય નથી

EVM-VVPAT મામલે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે 18 એપ્રિલે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જોઈએ. ચૂંટણી પંચને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે લેવામાં આવતા પગલાંની વિગતવાર માહિતી આપવા કહેવામાં આવ્યું હતું. કોર્ટ VVPAT સિસ્ટમ દ્વારા જારી કરાયેલી સ્લિપ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી છે.

‘પારદર્શિતા અને શુદ્ધતા હોવી જોઈએ’

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે આ એક ચૂંટણી પ્રક્રિયા છે. તેમાં પારદર્શિતા અને શુદ્ધતા હોવી જોઈએ. કોઈને કોઈ આશંકા ન હોવી જોઈએ. ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર થયા હતા. અરજદારો વતી એડવોકેટ નિઝામ પાશા અને પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછું એવો આદેશ આપવો જોઈએ કે VVPAT મશીન પારદર્શક હોવું જોઈએ અને બલ્બ સતત સળગતો રહેવો જોઈએ, જેથી મતદારની સંપૂર્ણ પુષ્ટિ થઈ શકે.

એડવોકેટ સંજય હેગડેએ કહ્યું કે તમામ VVPAT સ્લિપની ગણતરી પણ ધ્યાનમાં લેવી જોઈએ. અને જો હવે આ કરી શકાતું નથી, તો અદાલતે હવે યોજાનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે વચગાળાનો આદેશ આપવો જોઈએ.

EVM સાથે છેડછાડ શક્ય નથી: EC

VVPAT કેસની સુનાવણી કરી રહેલા જજે ચૂંટણી પંચના અધિકારીને પૂછ્યું, તમારી પાસે કેટલા VVPAT છે? અધિકારીએ કહ્યું કે અમારી પાસે 17 લાખ VVPAT છે. તેના પર ન્યાયાધીશે પૂછ્યું કે EVM અને VVPATના નંબર અલગ-અલગ કેમ છે? EC અધિકારીએ ન્યાયાધીશને દરેક બાબતના સંતોષકારક જવાબો આપ્યા. તેમણે કહ્યું કે મોક પોલમાં ઉમેદવારો તેમની ઈચ્છા મુજબ કોઈપણ મશીનનું પરીક્ષણ કરી શકે છે. અધિકારીએ એમ પણ કહ્યું કે ડેટા જાણવો કે તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી.