ગુજરાત પેટાચૂંટણી: ભાજપ-કોંગ્રેસ માટે માથોનો દુખાવો બનતા જૂથવાદ, અસંતોષ અને આંતરિક વિખવાદ

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના કેન્દ્રિય મંત્રીઓ રૃપાલા અને સ્મૃતિ ઈરાની ઉપરાંત મુખ્યમંત્રી રૃપાણી પણ પ્રચાર કાર્યને જોરશોરથી ભાષણો કરીને નવા નવા સૂત્રો આપીને વેગ આપી રહ્યા છે. રૃપાણીના કોંગ્રેસ પરના આક્ષેપોનો જવાબ પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણી આ૫ી રહ્યા છે. આમ છતાં વિધાનસભાની કક્ષાએ જેવો હોવો જોઈએ તેવો ઉત્સાહ મતદારોમાં બહુ દેખાતો નથી. તેના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ બંને પક્ષોના નેતાઓ આ કારણે ચિંતામાં જરૃર હશે, અત્યારે તો પ્રાદેશિક નેતાગીરીનો પ્રચાર ફિક્કો જણાઈ રહ્યો છે.

ભારતીય જનતા પક્ષના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહ નથી, પરંતુ બે-ત્રણ બોલકા કેન્દ્રિય નેતાઓ તથા રૃપાણી સરકારના મંત્રીઓના આધારે જ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. કદાચ ભાજપના સ્ટાર પ્રચારકોમં અપેક્ષિત રાષ્ટ્રીય નેતાઓ બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ભાજપને તેનો ફટકો પડી રહ્યો હશે.

બીજી તરફ કોંગ્રેસ પણ રાષ્ટ્રીય નેતાઓ વિના જ કામ ચલાવી રહી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલી યોજાવાની હતી.  કોંગ્રેસે રાહુલ ગાંધીને સ્ટાર પ્રચારક બનાવ્યા પણ હતાં, પરંતુ સલામતીના કારણો બતાવાયા હોવાથી તેમનો કાર્યક્રમ રદ્દ થયો છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેના પ્રાદેશિક નેતાઓની અત્યારે ખરી કસોટી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રચાર સમયે જ ક્યા કારણે રાજધાની દિલ્હીમાં રોકાઈ ગયા હતાં, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ બન્ને પક્ષોમાં જૂથવાદ, અસંતોષ અને આંતરિક વિખવાદ ઉમેદવારોને પણ દ્વિધામાં મૂકી દીધા છે. પાર્ટી સામે દાવ લેવા કોઈ પણ અસંતુષ્ટ નેતાને ગૂપ્ત અને પક્ષવિરોધી કામ કરે કે નિષ્ક્રિય થઈ જાય, તો ઉમેદવારના હારવાના ચાન્સ વધી જાય, આ કારણે બન્ને પક્ષોના ઉમેદવારો પણ ચિંતામાં મૂકાયા છે અને લગભગ તમામ બેઠકો પર ચાલી રહેલું હુંસાતુંસી વચ્ચે મતદારોની ઉદાસિનત પણ પાર્ટીઓ તથા ઉમેદવારોને ચિંતામાં મૂકી રહી છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ કેટલાક જિલ્લાઓમાં ઘટી રહ્યું છે, પરંતુ લોકડાઉન ઉપરંત અનલોક દરમિયન પણ લોકોના કામધંધા-નોકરીના પ્રશ્નો હજુ હલ થયા નથી અને લોકોને બે છેડા ભેગા કરવા અઘરા પડી રહ્યાં છે, તેવા સમયે આ ચૂંટણીમાં મતદારોને બહુ રસ હોય તેમ જણાતું નથી. આ કારણે પણ ઉમેદવારો ચિંતામાં મૂકાયા છે.

રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરી અને પ્રાદેશિક નેતાઓ ઓછા પ્રભાવી હોવાથી બન્ને પક્ષોના ઉમેદવારોએ હવે સ્વબળે જ જીતવું પડે તેમ છે. રાષ્ટ્રીય નેતાઓના ફેક્ટરની અસરો ઓસરી જવાથી હવે ઉમેદવારોને બીજી “ગોઠવણો” કરવી પડશે તેમ જણાય છે.

અત્યારે બન્ને પક્ષોના પ્રાદેશિક નેતાઓ ઉપરાંત સાંસદો, ધારાસભ્યો અને પાલિકા – મહાપાલિકા અને પંચાયતી સૂત્રોના પદાધિકરીઓને પ્રચારકાર્યમાં જોતરવામાં આવ્યા છે, પરંતુ કોરોનાની હાજરી અને લોકપ્રિય સ્ટાર પ્રચારકોની ગેરહાજરીના કારણે પ્રચારમાં જોમ-જુસ્સો કે ઉત્સાહ આવતો જ નથી, તેથી પ્રચારકો પણ હવે જવાબદારી પૂરી કરવા પુરતા ફરી રહ્યાં હોય તેમ જણાય છે.

જો મતદાન ઓછું થશે તો કોને નુકસાન જશે તે કહી શકાય તેમ નથી, પરંતુ જે આઠ બેઠકો પર ચૂંટણી છે, તે તમામ બેઠકો કોંગ્રેસે જ ખાલી કરી છે, તેથી ભાજપ માટે વકરો તેટલો નફો છે અને કોંગ્રેસે ૧૦૦ ટકાનું નુકસાન રિકવર કરવાનું છે. આ સંજોગોમાં ઉત્સાહ વગરની ચૂંટણી અને રાષ્ટ્રીય નેતાઓ પિતાનો પ્રચાર આશ્ચર્યજનક પરિણામો લાવી શકે છે.