સરદાર સરોવર છલોછલઃ ત્રણ વર્ષ ચાલે તેટલો પાણીનો સંગ્રહઃ આનંદનો માહોલ

ગુજરાતીઓમાં ખુશીનો માહોલ ઊભો થયો છે, કારણ કે નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચવાથી સરદાર સરોવર છલોછલ ભરાયો છે, અને ત્રણ વર્ષ ચાલે તેટલો જળસંગ્રહ થઈ ગયો છે.

ગુજરાતની જીવાદોરીસમો સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે, અને નર્મદા ડેમની જળસપાટી લગભગ ૧૩૮ મીટરના ઐતિહાસિક સ્તરે પહોંચવાની તૈયારીમાં છે. આ મોસમમાં પ્રથમ વખત નર્મદા ડેમ ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે.

મીઠા દરિયા જેવું સરદાર સરોવર છલોછલ ભરાઈ જતાં ગુજરાતીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ડેમસાઈટ પર ગોઠવાઈ ગયેલા નર્મદા નિગમના અધિકારી-કર્મચારીઓ ઉપરવાસથી આવી રહેલા જળરાશિ પર સતત નજર રાખી રહ્યા છે.

જો ડેમ ઓવરફ્લો થયા પછી પણ પાણીની આવક ચાલુ રહેશે તો ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવશે. નર્મદા આધારિત ગુજરાતના લોકોની પીવાના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે, જ્યારે ખેડૂતોને પણ સિંચાઈના પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત થતા ચિંતા ટળી છે.

ગઈકાલે સાંજે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક પપ,ર૧૩ ક્યુસેક થઈ રહી છે, જ્યારે રિવર બેડ પાવરના ૬ યુનિટ ચાલી રહ્યા હોવાથી તેમાંથી પ૪ હજાર ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યારે નર્મદા ડેમમાં પ૯૩પ મિલિયન ક્યુબિક મીટરનો જળસંગ્રહ થઈ ગયો છે.