ચીનની ઘૂસણખોરીના મુદ્દે PM મોદીએ દેશને ગેરમાર્ગે દોર્યોઃ રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની ઘૂસણખોરીના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે, તેમણે સંસદમાં રક્ષામંત્રી રાજનાથસિંહના નિવેદનના પ્રત્યાઘાતો આપ્યા હતાં.

સંસદમાં ગઈકાલે રક્ષામંત્રી રાજનાથસિંહે ચીનના મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ચીને એલએસી અને ભારતના સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈન્ય ટૂકડીઓ તથા દારૃગોળો એકત્રિત કર્યો છે, પરંતુ ભારતીય સેના પણ સતર્ક અને તૈયાર છે. ભારતીય સેના પડોશી દેશના કોઈપણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ અને સતર્ક છે.

રક્ષામંત્રી રાજનાથસિંહના આ નિવેદનનો આકરો પ્રતિભાવ આપતા રાહુલ ગાંધીએ ચીની સેનાની ઘુસણખોરી માટે વડાપ્રધાન મોદીની નીતિને જવાબદાર ગણાવીને સરકાર પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું કે, રક્ષામંત્રીના આ નિવેદનથી જ સ્પષ્ટ થઈ જાય છે કે, વડાપ્રધાનને ચીનના સૈન્ય દ્વારા ભારત પર હુમલાના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. આખો દેશ ભારતીય સેનાની પડખે ઉભો છે. પરંતુ PM મોદી ક્યારે ચીનનું નામ લેવાની હિંમત કરશે અને ચીન પાસેથી આપણી જમીન પાછી લેશે.

તેમણે કહ્યું કે, ચીનનું નામ લેતા ડરો છો કેમ…? આ પહેલા રણદીપ સુરજેવાલાએ પણ કહ્યું કે, દેશ સેનાની સાથે છે, પણ રક્ષામંત્રી જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરી લેવાનું દુઃસાહસ કર્યુ જ કેમ…?