શ્વેત મહિલાઓ કરતા ભારતીય મહિલાઓને કોવિડ-19થી મૃત્યુનું જોખમ 2.7 ટકા વધુ

કોરોનાવાયરસ જ્યારથી સામે આવ્યો છે ત્યારથી નિત નવા સંશોધનો તેની પાછળ કરવામાં આવી રહ્યા છે, હવે જે એક રસપ્રદ સંશોધન સામે આવ્યું છે તેમાં એવું કહેવાયું  છે કે  શ્વેત મહિલાઓની સરખામણીમાં ભારતીય મહિલાઓ કોવિડ-૧૯થી મૃત્યુ પામે તેનું જોખમ ૨.૭ ટકા વધુ હોય છે.

યુએન વીમેન અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવેલ એક પ્રોવિઝનલ વિશ્લેષણમાં આ વાત જણાવવામાં આવી છે.   કોવિડ-૧૯ના સંજોગોમાં લૈંગિક સમાનતા અંગેના એક અહેવાલમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ જણાવે છે કે કોવિડ-૧૯ની અસર ગરીબ અને હાંશિયામાં ધકેલાયેલા વર્ગને વધારે થઇ શકે છે.

આ  વિશ્લેષણ કહે છે કે  ભારતમાં મહિલાઓ એક ઉપેક્ષિત વર્ગ છે અને તેથી યોગ્ય સંભાળના અભાવે આવા રોગમાં તેમના મૃત્યુની સંભાવના સારી સંભાળ મેળવતી પશ્ચિમી દેશોની શ્વેત મહિલાઓ કરતા વધી જાય છે. વળી મહિલાઓને વિવિધ વિશ્લેષણો અને સંશોધનોમાં આવરી લેવાનું પ્રમાણ પણ ઓછું હોય છે.  વળી ભારતીય મહિલાઓ પણ પરિવારમાં એવી પરોવાયેલી રહે છે કે તેઓ પોતાની સમસ્યાઓ ખુલીને કહી શકતી નથી, તે પણ એક કારણ હોઇ શકે છે.

અગાઉના ઇબોલા અને ઝિકા વાયરસના રોગચાળાઓ વખતે પણ આ પ્રકારની જ સ્થિતિ જણાઇ હતી એમ પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેકટર અને જાહેર આરોગ્ય નિષ્ણાત પૂનમ મુત્તરેજા જણાવે છે. વિશ્વભરમાં આરોગ્ય અને સામાજીક સંભાળ ક્ષેત્રમાં ૭૦ ટકા કર્મચારીઓ મહિલાઓ હોય છે અને તેમને ચેપનું જોખમ વધારે હોય છે અને ભારતમાં તો આ જોખમ ઓર વધી જાય છે.