ગુજરાતમાં SSC બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, 60.64 ટકા રિઝલ્ટ, સુરતનો વાગ્યો ડંકો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતા 6.33 ટકા પરિણામ ઓછું આવ્યું છે. આ વખત ના પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું 65.51 ટકા અને ગ્રામ્યનું પહેલા કરતા ઉંચુ 66.07 ટકા પરિણામ આવ્યું છે.

આ વખતે ગ્રેડ પ્રમાણ જોઈએ તો રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 23,754 વિદ્યાર્થીઓએ એ-ટુ અને 58,128 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષાનું પરિણામ જાણવા માટે શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. શાળામાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 74.66 ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ 74.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતી સ્ટુડન્ટસે રાજ્યભરમાં ડંકો વગાડતાં કુલ 350ને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

સુરતના સ્ટુડન્ટસને સૌથી વધુ A-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાંથી માત્ર સુરતના જ 4585 સ્ટુડન્ટસને A-2 ગ્રેડ મળ્યાં છે. જે રાજ્યમાં A-1ની જેમ જ સુરત જિલ્લાના સૌથી વધુ A-2 ગ્રેડ ધારી સ્ટુડન્ટસ છે. સ્ટુડન્ટસની ઝળહળતી સફળતાના પગલે શાળા અને પરિવાર દ્વારા ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો સ્ટુડન્સ સારા પરિણામ મેળવતાં ખુશીનો માહોલ છે.

અમદાવાદ શહેરનું 65.61 ટકા જ્યારે જિલ્લાનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 50,943 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 33,375 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 39,045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 25,798 નાપાસ થયા છે.

અમદાવાદ શહેરમાં A1 ગ્રેડમાં- 113, A2 ગ્રેડમાં- 2034, B1 ગ્રેડમાં- 4768, B2 ગ્રેડમાં-7617, C1 ગ્રેડમાં- 10069, C2 ગ્રેડમાં- 7811, D ગ્રેડમાં- 963, E1 ગ્રેડમાં 9159, E2 ગ્રેડમાં 8409 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં A1 ગ્રેડમાં- 104, A2 ગ્રેડમાં- 1538, B1 ગ્રેડમાં- 3513, B2 ગ્રેડમાં-5769, C1 ગ્રેડમાં- 8085, C2 ગ્રેડમાં- 6056, D ગ્રેડમાં- 733, E1 ગ્રેડમાં 7424, E2 ગ્રેડમાં 5823 વિદ્યાર્થીઓ પાસ થયા છે.