દિલ્હી હિંસા: તાહીર હુસૈનનું કોર્ટમાં સરન્ડર, કહ્યું”મારી વિરુદ્વ જૂના મિત્ર કપિલ મિશ્રાએ રચ્યું ષડયંત્ર”

દિલ્હી હિંસા દરમિયાન જેની ફેક્ટરીના ટેરેસ પરથી પેટ્રોલ અને પથ્થર જોવા મળ્યા હતા તેવા આમ આદમી પાર્ટી દિલ્હીના કાઉન્સીલર તાહિર હૂસૈને આજે કોર્ટમાં સરન્ડર કર્યું હતું. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાંથી તાહિર હુસૈનની ધરપકડ કરી હતી.

તાહિરે આજે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા શરણાગતિ અરજી કરી હતી. આ અંગે જજે કહ્યું કે શરણાગતિની અરજી અંગે સુનાવણી કરવાનો તેમનો ન્યાયિક અધિકાર નથી. આ પછી તાહિરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

અગાઉ, શરણાગતિની અરજી પર સુનાવણી દરમિયાન તાહિર હુસૈનના વકીલે કહ્યું હતું કે કોર્ટે આદેશ આપવો જોઈએ અથવા અરજી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ. જજે કહ્યું કે આ મામલો આ કોર્ટના ન્યાયક્ષેત્રમાં આવતો નથી.

ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તાહિર હુસૈને કહ્યું હતું કે હું સંપૂર્ણ નિર્દોષ છું અને હું જાતે જ એક તોફાનોનો ભોગ બન્યો છું. તાહિર હુસૈને જણાવ્યું હતું કે તે અને તેનો પરિવાર પોતે તોફાનીઓના ભયે  ભાગી ગયો હતો અને પોલીસને પણ તેના વિશે જાણ કરવામાં આવી હતી.

તાહિર હુસૈને કહ્યું કે તેઓ આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે, તેમને આશા છે કે તપાસ યોગ્ય રહેશે. 24 મીએ હું મારા પરિવાર સાથે બહાર ગયો હતો, પોલીસ ત્યાં હાજર હતી અને તે પછી બિલ્ડિંગનો કોઈ અર્થ નથી. પોલીસે તે બિલ્ડિંગનો કબજો લીધો હતો, પરંતુ જે ઘટનાની વાત કરવામાં આવી રહી છે તે 25 મી તારીખની છે. આ બધું જ ષડયંત્ર મારા જૂના મિત્ર કપિલ મિશ્રાએ રચ્યું છે અને મને ફસાવવામાં આવ્યો છે.