ક્રૂડ ઓઇલના ભાવ સપ્તાહમાં 7 ટકા ઘટીને સાત સપ્તાહના તળિયે

(ઇબ્રાહિમ પટેલ) મુંબઈ, તા. ૬: ક્રૂડ ઓઇલ બેંચમાર્ક વાયદામાં તેજીવાળાનો ડંખ નબળો પડ્યો છે. ગત સપ્તાહે ભાવ ૭ ટકા ઘટીને સાત સપ્તાહના તળિયે બેસી ગયા. ફ્રંટ મંથ (રોકડો) જુલાઇ ૨૦૨૪ આઇસીઇ બ્રન્ટ વાયદો સોમવારે ઇન્ટ્રાડેમાં ૮૨.૮૬ ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થયો.

ડબલ્યુટીઆઈ જૂન વાયદો ૭૮.૦૩ મુકાયો હતો. ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને જોઈએ તો ઓપેક અને સાથી દેશો ત્રીજા ત્રિમાસિક અને શક્યત: આખું વર્ષ વર્તમાન ઉત્પાદન કાપ જાળવી રાખશે, જેથી ઘટતા ભાવને ખાળી શકાય.

આ ઘટાડા માટે ઘણા બધા કારણો જવાબદાર છે. એક તરફ પુરવઠા વધારો અને અમેરિકન ફેડરલ રિઝર્વે ચિંતાના સ્વરમાં કહ્યું છે કે ફુગાવા વૃધ્ધિદર કાબુમાં નથી આવ્યો તેથી ઊંચા વ્યાજદરની વર્તમાન નીતિ ચાલુ રહેશે, પરિણામે માંગ વૃધ્ધિ ચિંતાનો વિષય બની છે. આ ઘટના અર્થતંત્રો માટે નજીકના ભવિષ્યમાં નવા પડકારો ઊભા કરશે. જે મંદીના સંયોગોનું નિર્માણ કરશે. ગુરુવારે હાજર અને વાયદા વચ્ચે ભાવ ગાળો સંકળાઇ ગયો તે સૂચવે છે કે નોર્થ સીના હાજર ભાવ પર, નીચે જવાનું દબાણ વધ્યું છે.

ભારતને જ્યાં સુધી લાગેવાળગે છે ત્યાં સુધી, પોતાની જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઇલ આયાત, મધ્યપૂર્વના દેશોમાંથી કરે છે. મધ્યપૂર્વમાં અશાંતિ, ક્રૂડ ઓઇલના નિકાસ ભાવને વ્યાપક અસર કરતાં હોય છે. પુરવઠા સપ્લાય અને ભાવ આખરે રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ નિર્ધારણ પર અસર પડે છે. સુખદ વાત એ છે કે અત્યાર સુધી ક્રૂડ ઓઇલના પુરવઠા શિપિંગમાં કોઈ મુશ્કેલી નથી સર્જાઇ. તેનો અર્થ એ થાય કે ઉપલબ્ધતા અને રિફાઈન્ડ સપ્લાય બન્નેની નિકાસ સરળતાથી થઈ રહી છે. પણ ભાવો પર જે અસર થઈ રહી છે તે સમયાંતરે બજારના બદલાતા ફંડામેનટલ્સ અને ટ્રેડરોના સેન્ટિમેન્ટને લીધે થાય છે.

જો ઈરાન ઈઝરાયેલ વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ જારી રહે તો ભાવ સતત વધતાં રહેશે. ઓપેકના સ્થાપક દેશોમાં ઈરાનનો સમાવેશ થાય છે, પરિણામે ભાવ પર તે વ્યાપક અસર સ્થાપિત કરે છે. ઈરાન વિશ્વનો સાતમા નંબરનો અને ઓપેકમાં ત્રીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આથી જ શેરબજારના ભાવ ઘટાડા માટે અને એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રોમાં ઈરાનની મહત્વની ભૂમિકા રહે છે.

ભૂતકાળમાં પણ વૈશ્વિક અર્થતંત્રો પર ક્રૂડ ઓઇલના ભાવે વ્યાપક અસર કરી છે. ઈરાન સહિતના ઓપેક દેશોએ સપ્લાય કાપ મૂકીને વિશ્વભરમાં ફુગાવાજન્ય સ્થિતિ પેદા કરી છે. હાલમાં મલેશિયા, અજરબૈજાન, કઝાકિસ્તાન, અને મેક્સિકો જેવા નોન-ઓપેક દેશોએ સપ્લાય વધારી હોવાથી પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અટકી છે. જાગતિક અર્થતંત્રોમાં સ્થિરતા સ્થાપિત કરવામાં ક્રૂડ ઓઇલના ભાવ મહત્વની ભૂમિકા નિભાવતા હોય છે. ઊંચા ભાવ એક તરફ ઉત્પાદન પ્રક્રિયામાં ખર્ચ ઘટાડો અને બીજી તરફ વાહન વ્યવહાર ખર્ચ ઘટાડીને અર્થતંત્રમાં સસ્તી ઉત્પાદન પ્રક્રિયાને વેગ આપે છે.

બીજી તરફ જો ભાવ ઘટે છે તો અમેરિકા જેવા દેશમાં ઓઇલ કંપનીના નફામાં ગાબડાં પડે છે અને બીજી તરફ સ્થાનિક ઓઇલ ઉધ્યોગના કામદારો પર વિપરીત અસર ઊભી કરે છે. તમે જુઓ, અમેરિકન રીગ કાઉન્ટ એજન્સી બાકર હ્યુજીસે કહ્યું કે ૩ મે એ પૂરા થયેલા સપ્તાહમાં રીગ સંખ્યા ૭ ઘટીને ૪૯૯ થઈ હતી જે નવેમ્બર ૨૦૨૩ પછીની સૌથી ઓછી સંખ્યા છે.
બીજી તરફ ટ્રેડરો જૂનમાં યોજાનારી ઓપેક મિટિંગ પર નજર રાખીને બેઠા છે. ઈઝરાયેલ હમાસ વચ્ચે યુદ્ધવીરામની વટાઘાટ અનિશ્ચિતતાને પગલે પણ ભાવ દબાણમાં રહ્યા છે. અલબત્ત, ગત સપ્તાહમાં હમસે કહ્યું હતું કે તેઓ વધુ વાટાઘાટો માટે એક ડેલિગેશન ઈજિપ્ત મોકલશે. છેલ્લા એક મહિના દરમિયાન થયેલી વાટાઘાટો ચાલુ બંધ કરીને હમાસે સ્થિતિને વધુ ગૂંચવી મારી છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૬-૫-૨૦૨૪