અન્ય ખાધ્યતેલમાં નરમાઈને પગલે પામતેલની તેજીમાં ખાંચરો

(ઇબ્રાહિમ પટેલ દ્વારા)મુંબઈ,તા.25: પામ ઓઇલમાં તાજેતરની તેજીની સાયકલ પછી, મલેશિયન ક્રૂડ પામ ઓઇલ વાયદો ૨.૩૩ ટકાના સાપ્તાહિક ઘટાડે બંધ થયો હતો. છેલ્લા પાંચ સપ્તાહમાં આ પહેલો સાપ્તાહિક ઘટાડો હતો. બુરસા મલેશિયા ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જ પર જૂન વાયદો શુક્રવારે પ્રતિ ટન ૧.૪૬ ટકા ઘટીને ૪,૧૮૭ રિંગીટ (૮૮૪.૨૭ ડોલર) બંધ રહ્યો, જે ૧૩ માર્ચ પછીનો સૌથી નીચો ભાવ હતો. એક વર્ષ પછી ગત સપ્તાહે ભાવ ૪૩૦૦ રીંગઇટની ઊંચાઈ વટાવી ગયા બાદ, તેજીવાળાઓએ નફાબુકિંગ કર્યું હતું. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર સોયાતેલ મે વાયદો શુક્રવારે ૨.૩૧ ટકા તૂટી પ્રતિ પાઉન્ડ ૪૭.૭૫ સેંટ બંધ થયો હતો.

ભાવ ઘટવાનું અન્ય કારણ, મલેશિયાના સધર્ન પેનનસ્યુલર પામ ઓઇલ મિલર્સ એસોસિયેશનએ ૧થી ૨૦ માર્ચના ઉત્પાદન આંકડા, મહિના દર મહિના ૨૨.૪ ટકા વૃધ્ધિ રજૂ કર્યા હતા. કાર્ગો સર્વેયર ઇન્ટરટેક ટેસ્ટિંગ સર્વિસિસ અને એમસ્પેસ એગ્રી કહે છે કે ૧થી ૨૦ માર્ચ દરમિયાન મલેશિયન પામતેલ નિકાસ, ગત મહિનાના સમાન ગાળા કરતાં ૭.૪ ટકાથી ૧૬.૩ વચ્ચે વધી હોવાની સંભાવના છે.

મલેશિયન પામ ઓઇલ પ્રમોશન કાઉન્સિલ હવે તેના વ્યાપક ઉત્પાદન/નિકાસના આંકડા રજૂ કરશે, જે બજારને દિશાદોર દાખવશે. ગત સપ્તાહે ભાવ ૪,૧૮૭ અને ૪,૨૧૨ રિંગીટ વચ્ચે અથડાતાં રહ્યા, પણ ૪૩૨૬ રિંગીટનું રેસિસ્ટંટ વટાવી શક્યા ન હતા. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ નજીક હોવાનું મનાઈ વૈશ્વિક ખાધ્યતેલ અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા, તેની અસર પણ પામતેલ પર જોવાઈ હતી.

જગતના સૌથી મોટા ખાધ્યતેલ વપરાશકાર ભારતમાં, પામ ઓઇલ પ્રોસેસિંગ એકમ શરૂ થઈ ગયાના અહેવાલે, ભારત હવે આત્મનિર્ભરતા તરફ અગ્રેસર થશે. અરુણાચલપ્રદેશના ડિબાંગ ખીણ વિસ્તારમાં સ્વદેશી બનાવટનું પ્રથમ ૩એફ ઓઇલ પામ પ્રોસેસિંગ એકમ તાજેતરમાં ઉત્પાદન કરતું થઈ ગયું છે. ભારત વર્ષોથી ખાધતેલ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં પ્રયાસરત છે, તેમ છતાં તેની કૂલ માંગના ૯૬ ટકા ખાધતેલ આયાત કરે છે, જેમાં પામતેલનો હિસ્સો ૬૭ ટકા છે. ઉક્ત પ્રોસેસિંગ પ્લાન્ટ એ, ભારતના નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ- ઓઇલ પામનું આ મહત્વનું કદમ છે.

ભારતએ ૨૦૨૨-૨૩માં કૂલ ૧૬૫ લાખ ટન ખાધતેલની આયાત કરી હતી, જેમાં મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડથી ૯૮ લાખ ટન પામતેલ આયાતનો સમાવેશ થાય છે. ભારતમાં આર્જેન્ટિના અને બ્રાઝિલથી ૩૭ લાખ ટન સોયાતેલ, અને રશિયા, યુક્રેન, તેમજ આર્જેન્ટિનાથી ૩૦ લાખ ટન સનઓઈલ આયાતનો સમાવેશ થાય છે.

જગતભરના અન્ય ખાધ્યતેલ, બજારહિસ્સો મેળવવામાં હંમેશા સ્પર્ધામાં રહેતા હોય છે, તેથી અન્ય તેલની ભાવ વધઘટની અસર પામતેલ પર પણ જોવા મળતી હોય છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા બાયોડિઝલ ફીડસ્ટોકમાં ખાધ્યતેલનું મિશ્રણ પરવડતું નથી. સામાન્ય રીતે પામતેલનો વેપાર મલેશિયન કરન્સી રિંગીટમાં થાય છે, અને ડોલર સામે તે ૦.૫૫ ટકા નબળો પડ્યો છે. નબળા રિંગીટને લીધે વિદેશી આયાતકારોને આયાત સસ્તી પડતી હોય છે.

માર્ચના આરંભથી મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પુરવઠા સ્થિતિ નાજુક બનવાને લીધે, ભાવમાં જે ઉછાળા જોવાયા હતા તે, હવે પાછા ફરીને મૂળ સ્થિતિએ આવવા લાગ્યા છે. લાંબાગાળે જોઈએ તો પામતેલનું ઉત્પાદન તબક્કાવાર ધીમીગતિએ વધશે, એપ્રિલમાં ઇન્ડોનેશિયાની નિકાસ જકાત વૃધ્ધિને ધ્યાનમાં લેતા, આ બંને ઘટના ટૂંકાગાળામાં ભાવને ટેકારૂપ સાબિત થશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૫-૩-૨૦૨૪