ગુજરાતના દિગ્ગજ કવિ મરીઝના નામે નાણા પડાવનારાઓ પર પરિવારજનો તાડુક્યા, જાહેર નોટીસ આપી માંગી લીધો હિસાબ

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્વ અ દિગ્ગજ કવિ મરીઝના નામને લઈ તેમના પરિવારજનોએ જાહેર નોટીસ ફટકારી છે. અખબારમાં જાહેર નોટીસ આપી વારસદારોએ મરીઝના નામને વટાવી ખાનારા લોકોને ચેતવણી આપી છે અને સાથો સાથ અત્યાર સુધી મરીઝના નામનો ઉપયોગ કરનારાઓને પંદર દિવસમાં હિસાબ રજૂ કરવા જણાવ્યું છે.

જાહેર નોટીસમાં જણાવ્યા મુજબ મરીઝનું મૂળ નામ અબ્બાસ અબ્દુલ અલી વાસી હતું. તેમણે મરીઝના ઉપનામથી ગઝલો સહિત અન્ય સાહિત્ય સર્જન કરેલું છે. તેમના પુત્ર મોહસીન અબ્બાસ વાસી અને લુલુઆ અબ્બાસ વાસીએ અખબારમાં જામનગરનાં વકીલ અનિલ મહેતા દ્વારા જાહેર નોટીસ આપી જણાવ્યું છે કે મર્હૂમ અબ્બાસ વાસી કે જેમણે મરીઝના તખલ્લુસ/ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં અમર ગઝલોનું સર્જન કર્યું છે. જે ઉમદા કામ કરીને તેમણે સાહિતમાં અજોડ અને અનોખી, યાદગાર સેવા કરી છે. મરીઝે તેમના જીવન દરમિયાન પુષ્કળ સર્જન કાર્ય કર્યું.

નોટીસ મુજબ મરીઝનું તમામ સર્જન અન્ય માટે આજે પણ સીમાસ્તંભ સમાન છે. તેમાનું મોટાભાગનું સર્જન  ગઝલ નજમ અને મૂકતકો વગેરે પ્રકારોમાં લખાયેલું છે. મરીઝના તમામ સાહિત્ય સર્જન, તેમની બૌદ્વિક સંપદ પર તેમના અવસાન બાદ વારસદાર તરીકે તેમના પરિવારજનોનો કાયદેસરનો હક, હિત, હિસ્સો અને અધિકાર સમાયેલા છે.

નોટીસ મુજબ મરીઝની તમામ બોદ્વિક સંપદાનો પ્રચાર, પ્રસાર, વેચાણ વગેરે કરીને મનસ્વી રીતે નાણા કમાવવાની અને લોકો પાસેથી એક યા બીજી રીતે મરીઝના નામે નાણા પડાવવાની જે વૃત્તિ અને પ્રવૃત્તિ ચાલે છે તે યોગ્ય અને વ્યાજબી નથી.

તેમજ આવી તમામ અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં અગ્ર હકક મરીઝના વારસદારોનો થાય છે. મરીઝના વારસોની સહી સંમતિ કે પરવાનગી વગર આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જેમ કે સાહિત્યિક, નાટકીય કે ફિલ્મી અને અન્ય કોઈ પણ પ્રકારે કરવામાં આવે તો તે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે અને તેના માટે જે તે આયોજક સહિત પ્રકાશકો, કલાકારો અને તમામ કાયદેસર રીતે જવાબદાર બને છે. આ અગાઉ કમાયેલી આવક, નફો વગેરેમાંથી હિસ્સો વ્યાજ સહિત વસુલ મેળવવા માટે વારસદારો હકકદાર છે.

નોટીસ મુજબ વારસદારોની સંમતિ કે લેખિત પરવાનગી વગરનું કોઈ પણ કૃત્ય હવે પછી કરવું નહી  અને જો અગાઉ કરેલું હોય તો જાહેર નોટીસ પ્રસિદ્વ થયાના પંદર દિવસમાં તેના હિસાબો સહિતની તમામ વિગતો વારસદારોને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. જો મરીઝની સંપદાનો લેખિત પરવાનગી વિના દુરુપયોગ કરાશે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.