ગુજરાતના દિગ્ગજ કવિ મરીઝના નામે નાણા પડાવનારાઓ પર પરિવારજનો તાડુક્યા, જાહેર નોટીસ આપી માંગી લીધો હિસાબ

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્વ અ દિગ્ગજ કવિ મરીઝના નામને લઈ તેમના પરિવારજનોએ જાહેર નોટીસ ફટકારી છે. અખબારમાં જાહેર નોટીસ આપી વારસદારોએ મરીઝના નામને વટાવી ખાનારા લોકોને ચેતવણી આપી છે અને સાથો સાથ અત્યાર સુધી મરીઝના નામનો ઉપયોગ કરનારાઓને પંદર દિવસમાં હિસાબ રજૂ કરવા જણાવ્યું છે.

જાહેર નોટીસમાં જણાવ્યા મુજબ મરીઝનું મૂળ નામ અબ્બાસ અબ્દુલ અલી વાસી હતું. તેમણે મરીઝના ઉપનામથી ગઝલો સહિત અન્ય સાહિત્ય સર્જન કરેલું છે. તેમના પુત્ર મોહસીન અબ્બાસ વાસી અને લુલુઆ અબ્બાસ વાસીએ અખબારમાં જામનગરનાં વકીલ અનિલ મહેતા દ્વારા જાહેર નોટીસ આપી જણાવ્યું છે કે મર્હૂમ અબ્બાસ વાસી કે જેમણે મરીઝના તખલ્લુસ/ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં અમર ગઝલોનું સર્જન કર્યું છે. જે ઉમદા કામ કરીને તેમણે સાહિતમાં અજોડ અને અનોખી, યાદગાર સેવા કરી છે. મરીઝે તેમના જીવન દરમિયાન પુષ્કળ સર્જન કાર્ય કર્યું.

નોટીસ મુજબ મરીઝનું તમામ સર્જન અન્ય માટે આજે પણ સીમાસ્તંભ સમાન છે. તેમાનું મોટાભાગનું સર્જન  ગઝલ નજમ અને મૂકતકો વગેરે પ્રકારોમાં લખાયેલું છે. મરીઝના તમામ સાહિત્ય સર્જન, તેમની બૌદ્વિક સંપદ પર તેમના અવસાન બાદ વારસદાર તરીકે તેમના પરિવારજનોનો કાયદેસરનો હક, હિત, હિસ્સો અને અધિકાર સમાયેલા છે.

નોટીસ મુજબ મરીઝની તમામ બોદ્વિક સંપદાનો પ્રચાર, પ્રસાર, વેચાણ વગેરે કરીને મનસ્વી રીતે નાણા કમાવવાની અને લોકો પાસેથી એક યા બીજી રીતે મરીઝના નામે નાણા પડાવવાની જે વૃત્તિ અને પ્રવૃત્તિ ચાલે છે તે યોગ્ય અને વ્યાજબી નથી.

તેમજ આવી તમામ અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં અગ્ર હકક મરીઝના વારસદારોનો થાય છે. મરીઝના વારસોની સહી સંમતિ કે પરવાનગી વગર આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જેમ કે સાહિત્યિક, નાટકીય કે ફિલ્મી અને અન્ય કોઈ પણ પ્રકારે કરવામાં આવે તો તે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે અને તેના માટે જે તે આયોજક સહિત પ્રકાશકો, કલાકારો અને તમામ કાયદેસર રીતે જવાબદાર બને છે. આ અગાઉ કમાયેલી આવક, નફો વગેરેમાંથી હિસ્સો વ્યાજ સહિત વસુલ મેળવવા માટે વારસદારો હકકદાર છે.

નોટીસ મુજબ વારસદારોની સંમતિ કે લેખિત પરવાનગી વગરનું કોઈ પણ કૃત્ય હવે પછી કરવું નહી  અને જો અગાઉ કરેલું હોય તો જાહેર નોટીસ પ્રસિદ્વ થયાના પંદર દિવસમાં તેના હિસાબો સહિતની તમામ વિગતો વારસદારોને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. જો મરીઝની સંપદાનો લેખિત પરવાનગી વિના દુરુપયોગ કરાશે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

 

 

 

બોગસ દસ્તાવેજોથી NOC: અમદાવાદ-પૂર્વની DPS સ્કૂલની માન્યતા રદ થશે

અમદાવાદ પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલ અંગે મહત્વનાં સમાચાર છે. ખોટા એનઓસી અને બોગસ દસ્તાવેજ રજૂ કરી ડીપીએસ સ્કૂલે માન્યતા લીધી હોવાનો ખુલાસો થયા પછી સીબીએસઈ બોર્ડ દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવાની નિર્ણય લેવાયો છે.

આ અંગે વધુ માહિતી પ્રમાણે, આ સ્કૂલની માન્યતા એપ્રિલ મહિના સુધી જ માન્ય રહેશે ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની માન્યતા રદ થશે. કારણ કે હાલમાં ત્યાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં ન રહે. એપ્રિલ મહિના બાદ આ શાળામાં નવાં કોઇ બાળકોને પ્રવેશ નહીં મળે અને સ્કૂલની માન્યતા પણ રદ કરી દેવામાં આવશે.

નિત્યાનંદ આશ્રમને જમીન આપવા મુદ્દે ડીપીએસ સ્કૂલ સામે ચાલતી તપાસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સંચાલક મંજૂલા શ્રોફ તેમજ અન્ય ટ્રસ્ટી મેમ્બર હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ આચાર્ય અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરી છે. મંજૂલા શ્રોફ ,હિતેન વસંત અને પૂર્વ આચાર્ય સામે છેતરપિંડીના ગુના હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

શિક્ષણ વિભાગે નિત્યાનંદ આશ્રમને જમીન આપવા બદલ ડીપીએસ સામે કરેલી તપાસ બાદ રિપોર્ટ સીબીએસઈને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ડીપીએસ સ્કૂલ માન્યતા માટે જમીનના ખોટા દસ્તાવેજો તેમજ ખોટી માહિતી આપવાવામાં આવી હતી, તેમજ ખોટી એનઓસી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ રિપોર્ટમાં સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

સીબીએસઈ પાસેથી મળેલા બનાવટી એનઓસી લેટરની કોપીના આધારે શિક્ષણ વિભાગે ડીપીએસ સામે પોલીસ ફરિયાદ કરી છે.

શંકરસિંહથી શરદ પવાર સુધીના આટાપાટા: મહારાષ્ટ્રમાં 1996ની જેમ ગુજરાતવાળી થશે?, અજિત પવારની NCPને માન્યતા મળશે તો શું થાય?

(સૈયદ શકીલ દ્વારા):- મહારાષ્ટ્રનું કોકડું સુપ્રીમ કોર્ટમાં પહોચ્યું છે. સુપ્રીમ કોર્ટ સંભવત આવતીકાલે ચૂકાદો આપે તેવી શક્યતા છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ શંકરસિંહ વાઘેલાના બળવા વખતે ગુજરાત વિધાનસભામાં સર્જાયેલી રાજકીય ઘટનાઓ જેવી ઘટનાઓનું રિ-રન થવાની શક્યતા જોવા મળી રહી છે. પ્રોટેમ સ્પીકર દ્વારા અજિત પવારની એનસીપીને અલગથી માન્યતા આપી દેવામાં આવે તો શરદ પવારના રાજકીય કરિયર પર મસમોટો પ્રશ્ન મૂકાઈ જવાની સંભાવના રાજકીય પંડીતો જોઈ રહ્યા છે.

1995માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવ્યું. ત્યારે શંકરસિંહ વાઘેલા સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે બાપુના સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા 20મી ઓગસ્ટ 1996ના રોજ સમર્થકો સાથે ભાજપમાંથી બળવો કર્યો અને ધારાસભ્યોને લઈ ખજુરાહો ગયા હતા. ગુજરાત ભાજપમાં હજુરીયા-ખજુરીયા તરીકે કાર્યકરો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા પણ ભાજપે શંકરસિંહના બળવાની ઝીંક ઝીલી શકી ન હતી અને શંકરસિંહે કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા)ની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના 12મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી.પરંતુ ત્યાર બાદ આવેલી ચૂંટણીઓમાં બાપુનો એક પણ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યો ન હતો અને રાજપાનું કોંગ્રેસમા વિલીનીકરણ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસમાં આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા કપડવંજથી લોકસભાની ચૂંટણી જીત્યા અને મે 2004માં તેમને કેન્દ્રિય કપડા મંત્રીનો પદભાર સોંપાયો હતો. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી ગુજરાતની 13મી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે વરાયા હતા. કોંગ્રેસે સાથે શંકરસિંહ વાઘેલાનો નાતો 2017ની રાજ્યસભાની ચૂંટણી સુધી રહ્યો હતો. 2017માં બાપુના ટેકેદાક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા ધરી દીધા હતા. કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને મહાત આપવાના પ્રયાસો થયા પણ તેમાં ફાવટ આવી નહીં. બાપુએ ત્યાર બાદ એનસીપી સાથે જોડાણ કર્યું અને હાલ એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે.

શંકરસિંહ વાઘેલાએ જ્યારે બળવો કર્યો ત્યારે ગુજરાત વિધાનસભાન સ્પીકરની ભૂમિકા મહત્વની હતી. ગુજરાત વિધાનસભાની સ્પીકર તરીકે ચંદુભાઈ ડાભી હતા. ચંદુભાઈ ડાભી ભરૂચની મીયાંગા-કરજણના ધારાસભ્ય હતા. વિધાનસભાની ફ્લોર પર જ્યારે શંકરસિંહ વાઘેલાના જૂથને અલગથી માન્યતા આપવાનો પ્રસ્તાવ આવ્યો તે સ્પીકર તરીકે ચંદુભાઈ ડાભીએ શંકરસિંહને વિધાનસભામાં અલગથી સીટવી ફાળવણી કરી આપવાની જાહેરાત કરી હતી અને શંકરસિંહની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. ભાજપના પ્રયાસોને મોટો ફટકો મારવામાં આવ્યો હતો.

હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ સ્પીકરની ભૂમિકા મહત્વની રહેવાની છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે પણ વિધાનસભામાં સ્પીકર પોતાની મુનસફી પ્રમાણે નિર્ણય કરતા હોય છે. જો વિધાનસભાના સ્પીકર અજિત પવારે આપેલા 54 ધારાસભ્યો સાથેના પત્રને માન્યતા આપે અને અજિત પવારની એનસીપી સાચી છે તે સ્વીકારે તો એમ સમજો કે શરદ પવારની એનસીપીનું ઉઠમણું થઈ ગયું અને સીધી રીતે વિધાનસભામાં અજિત પવાર બાજી મારી શકે છે.

વિધાનસભમાં પ્રોટેમ સ્પીકરનું કામ ધારાસભ્યોના શપથ સહિત નવા સ્પીકરની ચૂંટણી સુધી અત્યાર સુધી સીમીત રહ્યું છે. પણ પ્રોટેમ સ્પીકર મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત અંગે પ્રસ્તાવ મૂકી શકે છે કેમ તેની ચર્ચા થઈ રહી છે. સ્પીકરની ચૂંટણી થવાની છે એ નક્કી છે અને ભાજપ સ્પીકરની ચૂંટણી સુધીનું જોખમ ખેડવા માંગશે નહીં. પ્રોટેમ સ્પીકર દ્વારા શું કરવામાં આવે છે તેના પર વિધાનસભાની કાર્યવાહી નિર્ભર રહેશે.

શરદ પવાર માટે મુશ્કેલીઓ ઓછી નથી. માત્ર ધારાસભ્યોને સાચવવા કરતાં અજિત પવારના જૂથને વિધાનસભામાં એનસીપી તરીકે માન્યતા મળી તો એનસીપીની કમાન સીધી રીતે તેમના હાથમાં આવી જશે અને જો ઘારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો આપવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું તો ભાજપ સરકાર ટકી જાય અને વિશ્વાસ પ્રસ્તાવ જીતી જાય તેવા રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે. મહારષ્ટ્ર વિધાનસભામાં 1995ની જેમ ગુજરાતવાળી એટલે કે શંકરસિંહ વાઘેલાવાળી થવાની શક્યતા નકારી શકાતી નથી.

 

સુરતમાં હેલ્મેટ સાથે ગરબાની રમઝટ, ખેલૈયાઓએ ઉજવી આવી રીતે નવરાત્રી

નવરાત્રીની મૌસમની સાથે ચારે ખૂણે, સુરતીઓ ગરબાની રાત માટે તૈયાર થઈ ગયા હતા અને ગરબા પર ઝૂમી રહ્યા હતા ત્યારે વીઆર સુરત ખાતે અનોખી રીતે નવરાત્રિ મહોત્સવનો આરંભ થયો હતો. અહીં ખેલૈયાઓએ માથે હેલ્મેટ પહેરીને ગરબા ઝૂમીને નવા મોટર વ્હિકલ એકટનું સમર્થન કરવાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયોમો પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. વી.આર.સુરતનું ગ્લેમ ગરબા એ સૌથી વધુ આકર્ષક અને સ્ટાઇલિશ ઉજવણી છે. આ વર્ષે, તેની સાતમી આવૃત્તિમાં, તે વધુ મોટી હોવાનું વચન આપે છે.

આ અંગે મ્યુઝિક ડિરેક્ટર એન્ડ પ્લેબેક સિંગર મૃણાલ મેડીએ જણાવ્યું હતું કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હિકલ એક્ટને  લાગુ કરવામાં આવ્યો છે ત્યારે દરેક નાગરિકની કાયદાનું પાલન કરવાની ફરજ બને છે ત્યારે અમારો આ એજ પ્રયાસ  હતો કે લોકો આ વિષે જાગૃત બને  માટે વી.આર.સુરત ખાતે યોજાયેલી વી.આર.સુરત ગ્લેમ ગરબામાં અમે આ આયોજન કર્યું હતું.

મૃણાલ મેડી બૈંડના કલાકારો સુરતીઓને ગરબા સંગીતમાં રાત્રીને ખીલવી રહ્યા છે. વી.આર. સુરતના ગ્લેમ ગરબાની સુરતીઓ માટે મુલાકાત લેવી આવશ્યક છે અને તેથી દર વર્ષે અભૂતપૂર્વ પગલાંઓ સાક્ષી બને છે. આ વર્ષે ગ્લેમ ગરબાની લોકપ્રિયતામાં વધારો થયો હોવાથી આ સંખ્યા વધવાની અપેક્ષા છે.