દિલ્હીમાં હિંસાના મુદ્દે પોલીસ આકરા પાણીએઃ ખેડૂત આગેવાનો સામે લૂક આઉટ નોટીસ

પ્રજાસત્તાક દિને તા. ર૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછીથી દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પોલીસે ગુરુવારે ખેડૂત નેતાઓ વિરૃદ્ધ લૂકઆઉટ નોટીસ જાહેર કરી છે. એટલે કે તે મંજુરી વગર વિદેશ નહીં જઈ શકે.

જો કે, એ પુષ્ટી થઈ શકી નથી કે લૂક આઉટ નોટીસ ક્યા ક્યા નેતાઓને આપવામાં આવી છે. તો આ તરફ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે હિંસાની ઘટનાઓ માટે માફી માંગતા કહ્યું કે, ‘ગણતંત્ર દિવસના દિવસે જે બન્યું તે શરમજનક છે. હું ગાઝીપુર બોર્ડરની પાસે હતો. જે ઉપદ્રવી ત્યાંથી ઘૂસ્યા તેમાં અમારા લોકો સામેલ ન હતાં. તેમ છતાં હું માફી માગુ છું અને ૩૦ જાન્યુઆરીએ ઉપવાસ કરીને અમે પ્રાયશ્ચિત કરીશું.’

દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલા ૩૭ ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે પછી મોડી રાતે ર૦ ખેડૂત નેતાઓ સામે નોટીસ જાહેર કરીને તેમને પૂછવામાં આવ્યું છે કે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કેમ ન થવી જોઈએ. તેનો ૩ દિવસમાં જવાબ આપવામાં આવે. જે ૪ નેતાઓને નોટીસ આપવામાં આવી છે તેમાંથી અત્યાર સુધીમાં ૪ નેતાઓના નામ જ સામે આવ્યા છે. આ નેતાઓમાં યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બળદેવ સિંહ સિરસા અને બલવીર સિંહ રાજેવાલ સામેલ છે. પોલીસે જે નોટીસ મોકલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ગણતંત્ર દિવસે લાલકિલ્લામાં કરવામાં આવેલી તોડફોડ એક દેશદ્રોહી હરકત છે.

મંગળવારે થયેલા ઉપદ્રવમાં પોલીસના ૩૦૦ થી વધુ જવાન ઘાયલ થઈ ગયા છે. જેમાંથી ઘણાં હાલ પણ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી અમુક જવાનોના ખબરઅંતર પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહેે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.