સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત, આ ગુજરાતી લેખકને મળ્યો એવોર્ડ, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

સાહિત્ય અકાદમીએ વર્ષ 2022 માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર અને અનુવાદ પુરસ્કારની જાહેરાત કરી છે. સાહિત્ય અકાદમીના સચિવ ડૉ.કે. શ્રીનિવાસ રાવે સાહિત્ય અકાદમી એવોર્ડ વિશે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે 23 ભારતીય ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

આમાં 7 કાવ્ય સંગ્રહ, 6 નવલકથા, 2 વાર્તા સંગ્રહ, 2 સાહિત્યિક વિવેચન, 3 નાટકો, 1 આત્મકથા નિબંધ, 1 સંક્ષિપ્ત સાહિત્યિક ઇતિહાસ, 1 લેખ સંગ્રહનો સમાવેશ થાય છે. સાહિત્ય અકાદમી પુરસ્કારોની ભલામણ 23 ભારતીય ભાષાઓ માટે જ્યુરી કમિટી દ્વારા કરવામાં આવે છે, જેને અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવે છે, જેની અધ્યક્ષતા ડૉ. ચંદ્રશેખર કમ્બર, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે.

ગુલામ મોહમ્મદ તાજમોહમ્મદ શેખનો જન્મ 16 ફેબ્રુઆરી1937માં  થયો હતો. તેઓ ગુજરાતના જાણીતા ચિત્રકાર છે. તેઓએ ગુજરાતી કવિતામાં પણ પ્રદાન આપ્યું છે. ૧૯૮૩માં તેમને પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમનો જન્મ વઢવાણમાં થયો હતો. તેમના આત્મકથાનાત્મક પુસ્તક ‘ઘેર જતાં’ને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે.

હિન્દી ભાષાના કવિ બદ્રીનારાયણને તેમના કાવ્ય સંગ્રહ “તુમડી કે શબ્દ” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બિહારના રહેવાસી બદ્રી નારાયણને હિન્દી કવિતામાં વિશેષ યોગદાન બદલ ‘ભારત ભૂષણ એવોર્ડ’, ‘શમશેર સન્માન’, ‘સ્પંદન સન્માન’ અને ‘કેદાર સન્માન’થી નવાજવામાં આવ્યા છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફુલબ્રાઈટ સિનિયર ફેલોશિપ અને સ્મટ્સ ફેલોશિપ પણ મેળવનાર છે. બદ્રી નારાયણ જી.બી. પંત સોશિયલ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ, અલ્હાબાદમાં પ્રોફેસર છે. તેમણે ‘ધ મેકિંગ ઑફ દલિત પબ્લિક ઇન નોર્થ ઈન્ડિયા: ઉત્તર પ્રદેશ, 1950′ પુસ્તક લખ્યું છે. -વર્તમાન’, ‘ફેસિનેટિંગ હિન્દુત્વઃ સેફ્રોન પોલિટિક્સ એન્ડ દલિત મોબિલાઈઝેશન’, ‘વુમન હીરોઝ એન્ડ દલિત એસેશન ઇન નોર્થ ઈન્ડિયા’ પુસ્તકો પણ લખ્યા છે.

અનુરાધા રોયની નવલકથા ઓલ ધ લાઈવ્સ વી નેવર લિવ્ડને અંગ્રેજી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. આ ઉપરાંત પંજાબી માટે સુખજિત (મૈં આયઘોષ નહીં, વાર્તા-સંગ્રહ) અને ઉર્દૂ માટે અનીસ અશફાક (ખ્વાબ સરબ, નવલકથા)ને પુરસ્કાર આપવામાં આવ્યો છે. સાહિત્ય અકાદમી પુરસ્કારોનું વિતરણ 11 માર્ચ 2023ના રોજ નવી દિલ્હીના કમાની ઓડિટોરિયમમાં કરવામાં આવશે.