“તૌકતે”વાવાઝોડાંને લઇ ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ

સંભવિત “તૌકતે” વાવાઝોડું-૨૦૨૧ અંતર્ગત પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના પગલાં લેવા તેમજ રાહત અને બચાવની કામગીરીના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા વીડીયો કોન્ફરન્સના માધ્યમથી વાવાઝોડા સામે તંત્રની તૈયારી અંગે સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લાના તમામ વિભાગોને કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લાના દરિયા કિનારાના ૧૦ કિ.મી. વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના ૩૦ ગામોમાં એલર્ટની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડામાં જાનમાલને કોઇ નુકશાન ન થાય તે માટે તલાટી કમ મંત્રી, માલતદાર, જિલ્લાના તમામ અધિકારીઓ-કર્મચારીઓને મુખ્ય, મથક ન છોડવા માટે કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓએ તેઓને ફાળવેલ મુખ્યમથકે ફરજીયાત હાજર રહી કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત જે તે ગામના લાયઝન અધિકારીઓએ તેઓને ફાળવેલ ગામોએ હાજર રહી સંબંધિત ગામની પરિસ્થિતિ અને હકીકતલક્ષી અહેવાલ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીશ્રી/પ્રાંત અધિકારીને રજૂ કરવાનો રહેશે.

ગામોમાં જરૂર પડે તો સ્થળાંતર કરવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. માછીમારો તથા અગરિયાઓને દરિયામાં ન જવા નિર્દેશ આપવામાં આવ્યા છે. કોવિડની વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કોવિડ પ્રોટોકોલને સુસંગત કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી તથા આ વિસ્તારના સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને જરૂર પડે તો અન્ય સલામત જગ્યાએ શીફટ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની પણ ખાસ સુચના આપવામાં આવી.

વધુમાં કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે આ બાબતમાં કોઇપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૦૨૬૪૨-૨૪૨૩૦૦ અથવા ૧૦૭૭ નો સંપર્ક સાધવા જણાવાયું છે.

કલેક્ટર કચેરી ખાતેથી વીડીયોકોન્ફરસના માધ્યમથી યોજેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન. નિવાસી અધિક કલેક્ટર એન.આર.પ્રજાપતિ, અધિક કલેક્ટર અસારી, આસિસ્ટન્ટ એસ.પી., ભરૂચ જિલ્લાની જે તે મામલતદાર કચેરીએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેકટર, ચીફ ઓફીસર, તાલુકા હેલ્થ ઓફિસર તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.