જાણો ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલી આવતી મેરૈયો માંગવાની પરંપરા વિશે, દિવાળી ટાણે ભરૂચમાં આજે પણ જીવંત છે આ પરંપરા

ગામડાઓમાં હજારો વર્ષ જૂની દિવાળીની પરંપરાઓ આજે પણ યથાવત છે. મોટા શહેરોને બાદ કરતાં અને ખાસ કરીને ઝઘડિયા તાલુકાના વિસ્તારોમાં દિવાળીના દિવસે મેરૈયો માંગવાની પરંપરા હજી જીવંત છે.

દિવાળીના દિવસે રાત્રે ગામના નાના બાળકો મશાલ બનાવી મેરૈયો માંગવા નીકળે છે. શેરડીનો સાંઠા ના ટુકડામાંથી અને કોપરાની વાટી ની મશાલ બનાવી ઘરે ઘરે “આકડી બાકડી તેલ પૂરાવો,  તેલ ના હોય તો ઘી પુરાવો” તેમ બોલી મેરૈયો માંગે છે.

એક કથા પ્રમાણે  ઇન્દ્રદેવે  જ્યારે ગુસ્સે થઈને અનરાધાર વરસાદ વરસાવ્યો ત્યારે ઈન્દ્રદેવને તેમની ભૂલ સમજાતા વરસાદ બંધ થયો હતો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે વરસાદમાં ખોવાઈ ગયેલા ગોવાળો અને ગાયોને શોધવા ઝાડની લાકડીઓ વડે મશાલ બનાવી હતી અને ગોવાળોને ઘરે ઘરે જઈ “ગાવડી માવડી મેળ મેરૈયો એટલે કે તમારી ગાયો પશુઓ હેમખેમ છે ને ? એમ પૂછતા ત્યારથી આ પરંપરા અસ્તિત્વમાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં હજી પણ આ હજારો વર્ષ જૂની શ્રીકૃષ્ણના સમયની દિવાળી ના દિવસ ની પરંપરા યથાવત રીતે ચાલી આવી છે.