આઈટમવાળા નિવેદન અંગે કમલનાથની મુશ્કેલીઓ વધી, ચૂંટણી પંચની નોટીસ, 48 ક્લાકમાં માંગ્યો જવાબ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને શિવરાજ સરકારમાં ‘આઈટમ’ નામથી પ્રધાન ઇમરતી દેવી સામે અભદ્ર ટીપ્પણી કરતા વિવાદ વકર્યો છે.  કમલનાથની આ વાંધાજનક ટીપ્પણીને ગંભીરતાથી લઈ ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. કમિશને તેમને 48 કલાકની અંદર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ઇમરતી દેવી સોમવારે ગ્વાલિયર જિલ્લાના ડબરા ખાતે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કરેલી ટિપ્પણી પર રડ્યા. તેમના રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમજ સ્થાનિક ટેલિવિઝન ચેનલો પર પણ જોવા મળી રહ્યો છે.

આ પહેલા ઇમરતી દેવીએ વાંધાજનક નિવેદન અંગે કમલનાથ વિરુદ્વ પ્રતિક્રિયા આપી હતી અને ડાબરામાં મીડિયાને કહ્યું હતું કે ‘તે (કમલનાથ) બંગાળથી આવ્યા છે. તેમના બોલવામાં શિષ્ટતા નથી. તેમને હરિજન મહિલાનો આદર કરવાનું ભાન નથી? આવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

તેમણે કહ્યું, “માતા અને પુત્રીને મધ્યપ્રદેશમાં લક્ષ્મી માનવામાં આવે છે અને આજે તે મધ્યપ્રદેશના તમામ લક્ષ્મીઓને અપમાનિત કરી રહ્યા છે.” હું ઈચ્છું છું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કમલનાથને તેમની પાર્ટીમાંથી દૂર કરે. “ઇમરતીએ આગળ કહ્યું,” હું કમલનાથને ભાઈ તરીકે માનતી હતી, પરંતુ તેઓ એક રાક્ષસ છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરના રોજ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં કમલનાથ 28 ધારાસભ્યોને જીતાડી શકશે નહીં.

નોંધનીય છે કે ડબરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજે માટે ચૂંટણી પ્રચાર કરતી વખતે ઇમરતી દેવી વિરુદ્ધ કમલનાથે રવિવારે કહ્યું હતું કે, સુરેશ રાજેજી ડબરાથી અમારા ઉમેદવાર છે. સરળ અને શુદ્વ મનના છે. તેઓ તેમના જેવા નથી. તેમનું નામ શું છે? તે દરમિયાન ત્યાં હાજર લોકોએ ઇમરતી દેવી, ‘ઇમરતી દેવી’નું નામ જોર જોરથી બોલવાનું શરૂ કર્યું હતું.

આ પછી, કમલનાથે હંસીને કહ્યું હતું, “શું હું તેમનું (ડબરાના ભાજપના ઉમેદવારનું નામ) લઈશ?” તમે તેમને મારા કરતા વધારે ઓળખો છો. તમને મારે પહેલાંથી જ સાવધાન કરી દેવા જોઈતા હતા કે આ આઈટમ શું છે? “