ભૂમી પૂજનમાં ખાસ નિમંત્રણથી આવી રહેલા ‘શરીફ ચાચા’ કોણ છે ?

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમી પૂજન કાર્યક્રમમાં કેટલાક પસંદગીની ચુનંદા લોકોને જ હાજરી આપવા માટે નિમંત્રણ અપાયું છે. આ સમારોહમાં હાજરી આપવા માટેનું પહેલું નિમંત્રણ રામ જન્મભૂમી-બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા હાશિમ અન્સારીના પુત્ર ઇકબાલ અન્સારીને મળ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં સામેલ થનારા લોકોની યાદીમાં ધ્યાન ખેંચનારું બીજું એક નામ છે મહંમંદ શરીફનું.

મોદી સરકારે આ વર્ષે જ મહંમદ શરીફને પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા. અયોધ્યાના ખીડકી અલી બેગ મહોલ્લામાં રહેતા મહંમદ શરીફ અજાણી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. ખાસ વાત એ છે કે તેઓ આ કામમાં ઘર્મ સંપ્રદાયને આડે લાવતા નથી. શરીફે પોતાને પદ્મશ્રી અપાયો ત્યારે ખુશી વ્યક્ત કરી હતી અને હવે રામ મંદિર ભૂમી પૂજન કાર્યક્રમનું નિમંત્રણ મળતા તેઓ અભિભૂત થયા છે અને તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉત્સાહી છે.

તેઓ અજાણી લાશોનો અંતિમ સંસ્કાર કરતા થયાં તેની પાછળ પણ એક કથા છે, શરીફનો એક પુત્ર મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલો છે. એકવાર તે સુલ્તાનપુર ગયો હતો, જ્યાં તેની હત્યા થઇ અને તેના મૃતદેહને ફેંકીૂ દેવાયો. પરિવારજનોએ તેના મૃતદેહને ઘણો શોધ્યો પણ તે મળ્યો નહોતો. તે પછી મહંમદ શરીફે અજાણી લાશોને શોધી શોધીને તેના અંતિમ સંસ્કાર કરવાનું પ્રણ લીઘું. શરીફ કહે છે કે 27 વર્ષ પહેલા મારા પુત્રની હત્યા થઇ તેના એક મહિના પછી મને એ સમાચાર મળ્યા અને તે પછી મેં અજાણી લાશોના અંતિમ સંસ્કારનું કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં 300 હિન્દુ અને 2500 મુસ્લિમોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ચુક્યો છું.