અનેક બિમારીઓ લઈને આવે છે વરસાદની સિઝન, આવી રીતે રાખો કાળજી

દરેકને વરસાદની સિઝન ખૂબ ગમે છે, પરંતુ  આ સિઝન પોતાની સાથે અનેક બિમારીઓ લાવે છે. આ સિઝનમાં કોઈપણ ચેપ ઝડપથી ફેલાય છે. તેથી આ સમયે, ખોરાક અને રહેણી-કરણીની વિશેષ કાળજી રાખવાની જરૂર છે. ચાલો જાણીએ ચોમાસાની ઋતુમાં શું ધ્યાન રાખવું.

તમારા ડાઈટ(આહાર)માં એવા ખોરાકનો સમાવેશ કરો જે શરીરની પ્રતિરક્ષા(ઈમ્યુનિટી) વધારવામાં મદદ કરે છે. આ સિઝનમાં તમારા ખોરાકમાં બ્રોકોલી, ગાજર, હળદર, લસણ અને આદુનો સમાવેશ કરો, આ ત્વચા સાથે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આદુ અને લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો જોવા મળે છે જે શ્વાસ, ત્વચા અને શરદીની સમસ્યાથી રાહત આપે છે.

આ સમયે બહારનું ખાવાનું ન ખાઓ. આ સિવાય લાંબા સમયથી કાપેલા ફળો અને શાકભાજી ખાશો નહીં કારણ કે તેમાં બેક્ટેરિયાનું જોખમ વધી જાય છે. કાચા અથવા અડધા-પડધા પકવેલું ભોજન આરોગવાનું પણ ટાળો. ચોમાસા દરમિયાન જંક ફૂડ બિલકુલ ન ખાઓ કારણ કે તેનાથી બીમારી થવાની શક્યતા વધી જાય છે.

ઘણા લોકો વરસાદની મોસમમાં મેલેરિયાથી પણ પીડાય છે. તેથી, આ મોસમમાં મચ્છરથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. ગંદા પાણીથી બચો અને ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો. આ સિઝનમાં ફૂલ-સ્લીવ્ડ કપડાં પણ પહેરો.

વરસાદની ઋતુમાં એલર્જી અને ત્વચાની સમસ્યામાં પણ વધારો થાય છે. જો તમને પહેલાથી જ ત્વચાની કોઈ સમસ્યા છે, તો પછી આ મોસમમાં ભીના થવાનું ટાળો. જો તમે ઘરની બહાર છો અને વરસાદમાં ભીંજાયા છો તો ઘરે પાછા જતાની સાથે જ સ્વચ્છ પાણીથી સ્નાન કરો.