સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત બન્યું નંબર વન : 558.17 મેગાવોટનાં પ્લાન્ટ સ્થાપાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી-સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આ 55630 સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 208 મેગાવોટના પ્લાન્ટસ માત્ર નવ માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂઅબલ એનર્જી (MNRE)ની વેબસાઇટના અહેવાલો અનુસાર 31 મે, 2020  સુધીમાં કુલ 558.17 મેગાવોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં સ્થપાયા છે.

ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઊર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે. આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે 19 જૂન- 2020 સુધીમાં ‘‘સૂર્ય ગુજરાત’’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.28 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર મળી છે.

GUVNL દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ આઉટરીચ પ્રોગ્રામ અને તાલીમ પ્રવૃત્તિઓને કારણે મોટી સંખ્યામાં આવી અરજીઓ પ્રાપ્ત થઈ છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં અગ્રેસર એવા ગુજરાત પછીના ક્રમે 266.82 મેગા વોટ સાથે રાજસ્થાન બીજા ક્રમે, 245.50 મેગા વોટ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે, 232.77 મેગા વોટ સાથે કર્ણાટક ચોથા ક્રમે, 156.20 મેગા વોટ સાથે દિલ્હી પાંચમા ક્રમે, 156.00 મેગા વોટ સાથે તમિલનાડું છઠ્ઠા ક્રમે, 146.10 મેગા વોટ સાથે ઉત્તરપ્રદેશ સાતમા ક્રમે, 121.34 મેગા વોટ સાથે હરિયાણા આઠમાં ક્રમે, 118.52 મેગા વોટ સાથે પંજાબ નવમાં ક્રમે, 118.22 મેગા વોટ સાથે તેલંગણા દસમાં ક્રમે છે.