અમદાવાદ બન્યુ ગુજરાતનું વુહાન : દર 24 મિનીટમાં નોંધાય છે 1 કોરોના પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટવ દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. વાયરસનો ચેપ પોતાનો વિસ્તાર વધારતો જાય છે. ગુરૂવારે રાજ્યમાં 163 પોઝિટિવ કેસ નોધાયા હતા અને શુક્રવારે વધુ નવા કેસ નોંધાવા સાથે રાજ્યમાં કેસનો આંકડો 1021 પર પહોંચી ગયો છે. જો કે રાજ્યમાં જે કેસ મળ્યા છે તેમાંથી 59 ટકા કેસ એકલા અમદાવાદના છે. રેડ હોટસ્પોટ ઝોનમાં સામલ અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનીટે એક પોઝિટિવ કેસ મળી રહ્યો છે.

જો ગુજરાતમાં ગુરૂવારની સાંજ સુધીના જ આંકડાને ધ્યાને લઇએ તો રાજ્યમાં 929 કેસ હતા. રાજ્યમાં કોરોનાએ 36 લોકોનો ભોગ લીધો છે. રાજ્યના મુખ્ય સચિવ (આરોગ્ય) જયંતિ રવિએ કહ્યું હતું કે ડોક્ટર્સ સહિત 26 સરકારી કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળ્યા છે. વાત કરીએ અમદાવાદની તો છેલ્લા 5 દિવસમાં અહીં 302 કેસ નોંધાયા છે.

અહીં પહેલાથી જ 243 દર્દીઓ હતા. નવા દર્દીઓ સાથે આ આંકડો રોજના 60.4 કેસ અથવા તો દર 24 મિનીટે એક કેસની દરે વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ સ્થિતિની ગંભીરતા અંગે લોકોને ચેતવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે સ્થિતિ છે તેને જોતા રોજના 100 કેસનો આંકડો પણ પાર થઇ જશે. ગુજરાતમાં 929 દર્દીઓમાંથી 545 દર્દીઓ એકલા અમદાવાદના છે.