લંડનની હોસ્પિટલમાં જન્મેલું નવજાત બાળક કોરોનાવાયરસનું સૌથી નાની વયનું દર્દી

ઈંગ્લેન્ડમાં લંડનની એક હોસ્પિટલમાં જન્મેલું એક નવજાત બાળકનો કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટિવ આવતા તે કોરોના વાયરસનું સૌથી નાની વયનું દર્દી બન્યું છે. આ બાળકની માતાને ન્યૂમોનિયાના લક્ષણો સાથે થોડા દિવસો પહેલા જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બાળકનો જન્મ થયા પછી કન્ફર્મ થયું હતું. હાલ નવજાત બાળક અને માતાની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈંગ્લેન્ડના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, નવજાત બાળક કરતાં માતાની સ્થિતિ વધુ ગંભીર છે.

આ નવજાત બાળકની સારવાર હાલ નોર્થ મિડલસેક્સની હોસ્પિટલમાં ચાલી રહી છે, અહીં જ તેનો જન્મ થયો હતો. જ્યારે તેની માતાને સ્પેશ્યાલિસ્ટ ઈન્ફેક્શન હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ બાળકનો પણ ટેસ્ટ કરાયો હતો, અને તે પણ પોઝિટિવ આવ્યો હતો. બાળકને માતાના ગર્ભમાં જ કોરોનાનો ચેપ લાગ્યો કે પછી જન્મ બાદ તેના શરીરમાં આ વાયરસ પ્રવેશ્યો તે ડોક્ટરો શોધવા પ્રયાસ કરી રહ્યા છે.

મહિલા કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સારવાર કરનારા મેડિકલ સ્ટાફને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. માતા અને બાળક સુધી આ વાયરસ કઈ રીતે પહોંચ્યો તે શોધવા પણ ઈંગ્લેન્ડના આરોગ્ય વિભાગે કામગીરી શરુ કરી દીધી છે.

એક્સપર્ટ્સનું માનીએ તો બાળકો અને યુવાનોને કોરોના વાયરસથી ઓછું જોખમ છે. કોરોનાનો ભોગ બનનારામાં પણ વૃદ્ધાવસ્થામાં રહેલા દર્દીઓનો મૃત્યુદર ઉંચો છે. યુકેમાં અત્યારસુધી કોરોનાના 800 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે, અને તેમાં 11ના મોત થયા છે. યુકેમાં કોરોના વાયરસને લઈને ફફડાટ ફેલાયેલો છે. દેશના વિખ્યાત ટુરિસ્ટ સ્પોટ્સ ખાલીખમ થઈ ગયા છે. લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે. મેટ્રો ટ્રેનો ખાલીખમ દોડી રહી છે. દેશના પીએમે કોઈ વ્યક્તિને તાવ કે શરદી થયા હોય તો જાતે જ અઠવાડિયા સુધી લોકોથી અલગ રહેવા માટે અપીલ કરી છે.