હોલીવુડના સ્ટાર અભિનેતા ટોમ હેન્કસ અને તેની પત્ની રિટા વિલ્સન બન્યા કોરોનાના શિકાર

વિશ્વ આખામાં હાલ કોરોના વાયરસે પોતાનો પ્રકોપ ફેલાવ્યો છે અને માત્ર સામાન્ય લોકો જ નહીં સેલિબ્રિટીઝ પણ આ વાયરસનો શિકાર બન્યા છે. એક દિવસ પહેલા જ અહેવાલો હતા કે બ્રિટનના આરોગ્ય મંત્રી કોરોનાથી પીડિત છે અને હવે આ વાયરસ હોલિવુડ સુધી પહોંચી ગયો છે. જાણીતા ઓસ્કર એવોર્ડ વિજેતા અભિનેતા ટોમ હેંક્સ અને તેની પત્ની રિટા વિલ્સનનો COVID-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ટોમ હેંક્સે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને કોરોનાના લક્ષણ પણ જણાવ્યા છે. સોશિયલ મીડિયા પર ટોમે લખ્યું, “હેલો મિત્રો હું અને મારી પત્ની રિટા હાલ ઓસ્ટ્રેલિયામાં છીએ. અમને થોડો થાક વર્તાઈ રહ્યો હતો, શરદી જેવું લાગતું હતું અને શરીરમાં દુખાવો હતો. રિટાને થોડી ધ્રૂજારી આવતી હતી અને તાવ પણ હતો. હાલ સાવધાની વર્તવાનો સમય છે ત્યારે અમે લોકોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી દીધો. જે પોઝિટિવ આવ્યો છે.” ટોમે આગળ લખ્યું, “હવે અમે આગળ શું કરીએ? ડૉક્ટરોના કડક નિયમ-કાયદા પાળવા પડશે. અમારી સારવાર કરવામાં આવશે અને આઈસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ રાખવામાં આવશે. હાલ આ વિશે કંઈક વધુ કહેવું નથી. અમારા વિશે તમને અપડેટ આપતા રહીશું. તમારું ધ્યાન રાખજો. હેંક્સ.”

ટોમ હેંક્સે આ તમામ માહિતી સર્જિકલ ગ્લવ્સની તસવીર શેર કરીને આપી છે. ટોમ હેંક્સના આ ટ્વિટ બાદ આખી દુનિયામાં તેમના ફેન્સ ચિંતામાં ગરકાવ થયા છે. જણાવી દઈએ કે, બે વાર ઓસ્કર અવોર્ડ જીતી ચૂકેલા ટોમે ‘ફોરેસ્ટ ગમ્પ’, ‘સેવિંગ ધ પ્રાઈવેટ રાયન’, ‘કાસ્ટ અવે’, ‘ફિલાડેલ્ફિયા’, ‘અ બ્યૂટિફુલ ડે ઈન નેવરહુડ’ અને ‘કેપ્ટન ફિલિપ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ટોમે બોલિવુડના એક્ટર ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘ઈન્ફર્નો’માં કામ કર્યું છે.