હવે દર 6 મહિને વધશે પગાર, ત્રણ કરોડ લોકોને થશે ફાયદો

દરેક પગારદાર એ આશામાં સમગ્ર વર્ષ દરમિયાન કામ કરે છે કે વર્ષમાં એક વખત તેનો પગાર ચોક્કસપણે વધશે. પરંતુ જો વર્ષમાં બે વાર પગારમાં વધારો થાય તો તમે શું કહેશો? એટલે કે દર 6 મહિના પછી પગાર વધે. આ ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ માટે મોટી ગિફટ જેવું છે.

કેન્દ્ર સરકારે ફુગાવામાંથી બહાર નીકળવાની યોજના તૈયાર કરી છે. જે અંતર્ગત કર્મચારીઓ પર વધતા ફુગાવાના ભારને ઘટાડવા માટે નવા ફુગાવાના સૂચકાંક અનુસાર પગાર વધારો નક્કી કરવામાં આવશે.

નિયમ મુજબ ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત લગભગ ત્રણ કરોડ કર્મચારીઓનો પગાર દર 6 મહિનામાં મોંઘવારીના દર પ્રમાણે વધશે. જેથી કર્મચારીઓ પર વધતી ફુગાવાની અસર ઓછી થાય.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ  સરકારની ઉચ્ચ-સ્તરની સમિતિએ ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ માટે ગ્રાહક ભાવ સૂચકાંક સાથે એક નવો આધાર સ્થાપિત કર્યો છે, જેના મોંઘવારી ભથ્થાને આ ફુગાવાના સૂચકાંક સાથે જોડવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગયા મહિનાની 27મી તારીખે મુખ્ય શ્રમ અને રોજગાર સલાહકાર બી.એન.નંદાના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ઔદ્યોગિક ક્ષેત્રના કર્મચારીઓ માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઇ-આઈડબ્લ્યુ) ની નવી શ્રેણીને મંજૂરી આપવામાં આવી હતી. આ માટે 2016ને બેઝિક યર બનાવવામાં આવ્યું હતું.

એક અંદાજ મુજબ મોદી સરકારના આ નિર્ણયથી સંગઠિત ઔદ્યોગિક ક્ષેત્રના ત્રણ કરોડ કર્મચારીઓને લાભ થશે. કેન્દ્ર સરકાર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની દર 6 મહિનામાં આકારણી કરવામાં આવે છે. આ કાર્ય હાથ ધરવા માટે સીપીઆઈ-આઈડબ્લ્યુનો આશરો લેવામાં આવે છે.