રૂપાણી રાજમાં એક લાખ કિલો કરતાં પણ વધુ ગૌમાંસ ઝડપાયું, સૌથી વધુ સુરતમાંથી, અમદાવાદ બીજા નંબરે

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક લાખ કિલોગ્રામ ગૌમાંસ ઝડપાયું છે. સોમવારે વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી. આ માહિતી બહાર આવ્યા પછી વિપક્ષ કોંગ્રેસને 2017માં લાવવામાં આવેલા સુધારાયેલા ગૌહત્યા કાયદાની અમલવારી વિશે પ્રશ્નો ઉભા કર્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે સુધારેલા ગુજરાત પશુ સંરક્ષણ કાયદામાં ગાય કે ગૌવંશની હત્યા કરવા બદલ મહત્તમ આજીવન કેદની જોગવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે પ્રશ્નાકાળ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 2018 અને 2019માં 1,00,490 કિલો ગૌમાંસ કબજે કરવામાં આવ્યું છે.

ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાંથી મહત્તમ 55,162 કિલો ગૌમાંસ મળી આવ્યું છે. આ પછી અમદાવાદથી 18,345 કિલો ગૌમાંસ અને દાહોદમાંથી 5,934 કિલો બીફ મળી આવ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહમંત્રી વિજય રૂપાણીએ ગૃહને જણાવ્યું હતું કે 4,462૨ ગાયો અને ગૌવંશ જેવા કે બળદ અને વાછરડાને આરોપીઓ પાસેથી જીવિત બચાવી લેવામાં આવ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સરકાર ગાયના નામે માત્ર રાજકારણ કરી રહ્યું છે. શૈલેષ પરમારે કહ્યું કે એવું લાગે છે કે 2017ના કાયદાને અસરકારક રીતે લાગુ કરાયો નથી. આ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં એક લાખ કિલો ગૌમાંસ કબજે કરવામાં આવ્યું છે. ભાજપ ફક્ત ગાયના નામે રાજકારણ કરે છે.