અયોધ્યામાં સંભવતઃ રામ નવમીથી રામ મંદિર નિર્માણનો પ્રારંભ

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણનો પ્રારંભ સંભવતઃ રામનવમીથી થાય, તેવા સંકેતો મળી રહ્યા છે. આ અંગે  શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.

સરકારે રચાયેલી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટેની રૃપરેખા તૈયાર કરવા દિલ્હીમાં ટ્રસ્ટની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં સંભવત રામ નવમી એટલે કે બીજી એપ્રિલ ગુરુવારથી મંદિર નિર્માણનો શુભારંભ કરવાનો નિર્ણય લેવાય તેવા સંકેતો મળે છે.

રામલલ્લાની મૂર્તિનું સ્થાન, મંદિર નિર્માણ માટે ભાવિકો તરફના દાનનો સ્વીકાર વગેરે બાબતે ચર્ચા થશે. સરકારે ટ્રસ્ટમાં સાધુ-સંતો સહિત ૧પ લોકોની વરણી કરી છે. અયોધ્યામાં કરોડો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા માટે અનેક આંદોલન અને વર્ષોના વિવાદ પછી મંદિર નિર્માણનો માર્ગ સુપ્રિમના ચૂકાદાથી ખુલ્લો થયો છે. ભગવાન શ્રી રામના જન્મદિન રામ નવમીથી નિર્માણ કાર્યનો પ્રારંભ કરવા માટે ટ્રસ્ટમાં નિર્ણય થાય તેવી પ્રબળ શક્યતા છે. ટ્રસ્ટના મંદિર નિર્માણના સત્તાવાર એલાન તરફ કરોડો લોકોની મીટ મંડાયેલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના પ્રારંભના અરસામાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુત્વનો માહોલ જણાવવા માટે કાર્યક્રમો યોજવાની તૈયારી થઈ રહી છે. મંદિર નિર્માણનો નિર્ણય મોદી સરકારના કાર્યકાળમાં થયો હોવાથી ભાજપ પણ તેને અનુલક્ષીને કાર્યક્રમો યોજે અથવા કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવના છે.