કેજરીવાલ ગુજરાતમાં ભૂકંપ સર્જશે, ભાજપ, કોંગ્રેસ અને પાસમાં AAP ઝાડૂ ફેરવશે, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લાગલગાટ હેટ્રીક ફટકાર્યા બાદ આમ આદમી પાર્ટી હવે દિલ્હી બહાર પણ પગપેસારો કરવા થનગની રહી છે. ઓક્ટોબરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો ગુજરાતમાં મહાનગરાપાલિકા, જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.

આપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ મહાનગરપાલિકાની સીટો પર ચૂંટણી લડવાની વ્યૂહ રચના ઘડી ચૂકી છે. આપમાં જોડાવા માટે પાસના આંદોલનકારી ઉપરાંત ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો અને કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ આપમાં જોડાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એક મહિનામાં આ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા જોવા મળી રહી છે. પાસ ઉપરાંત અન્ય સંગઠનના આંદોલનકારીઓ પણ આપમાં જોડાશે. ખાસ કરીને કોંગ્રેસ-ભાજપના કેટલાક મોટા હોદ્દેદારો આપના સંપર્કમાં છે. અરવિંદ કેજરીવાલ ચૂંટણીના પ્રચારના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.

આપના સૂત્રોએ જણાવ્યું કે દરેક જિલ્લા અને તાલુકામાં સંગઠન ગોઠવી દેવામાં આવ્યું છે. આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે મહાનગરપાલિકાઓના દરેક વોર્ડમાં સંગઠન તૈયાર છે. રાષ્ટ્ર નિર્માણનું જે કેમ્પેઈન ચલાવવામાં આવ્યું છે તેને પ્રતિસાદ મળી રહ્યો છે. આ કેમ્પેઈન હેઠળ 11 લાખ મેમ્બરો બે દિવસમાં થઈ ગયા છે. આગામી દિવસોમાં આ કેમ્પેઈનને જોરશોરથી વેગવંતુ બનાવવામાં આવશે.

માહિતી મુજબ સંજયસિંહ કે ગોપાલ રાય ગુજરાત આવી શકે તેવી શક્યતા છે. આ બન્ને નેતામાંથી કોઈ એકને ગુજરાત મોકલામાં આવી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સરત મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી જોતાં ભાજપ અને કોંગ્રેસ માટે નવો પડકાર ઉભો થવાની શક્યતા નકારી શકાતી નથી.