શાહીનબાગ વાળી ઓખલા સીટ પરથી આપના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન જીત્યા

દિલ્હીની ચૂંટણી દરમિયાન જે વિધાનસભા બેઠક માટે સૌથી વધુ હોહા થઇ હતી તે શાહીનબાગ વાળી ઓખલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન 28.501 મતની સરસાઇથી જીતી ગયા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર બ્રહ્મ સિહ અને આપના અમાનતુલ્લાહ ખાન વચ્ચે મુખ્ય સ્પર્ધા રહી હતી અને બંને નેતાઓ વચ્ચે જેમ જેમ વોટિંગની ગણતરી ચાલતી હતી તેમ સ્પર્ધા ચાલતી રહી હતી. પહેલા અમાનતુલ્લાહ ખાન પાછળ ચાલી રહ્યા હતા. જો કે અંતે તેમણે આ બેઠક પર જીત મેળવી હતી.

આપના નેતા અમાનતુલ્લાહ ખાને વિજય પછી કહ્યું હતું કે દિલ્હીની જનતાએ આજે ભાજપ અને અમિત શાહને કરંટ લગાવવાનું કામ કર્યું છે આ કામની જીત છે અને નફરતની હાર છે. મેં નહીં પણ પ્રજાએ આ રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમાનતુલ્લાહ ખાન સતત ટિ્વટ કરીને પોતાની જીતનો દાવો કરતાં રહ્યા હતા અને પોતે કેટલા વોટથી આગળ છે તે જણાવતા રહ્યા હતા. ચૂંટણી પહેલા અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે ઇવીએમમાં એટલા જોરથી બટન દબાવજો કે શાહીનબાગના પ્રદર્શનકારીઓને તેનો કરંટ લાગે અને એ વાતને ધ્ચાને લઇને જ અમાનતુલ્લાહ ખાને કરંટવાળું નિવેદન કર્યું છે.