અદાણી ગ્રુપને મસમોટો ફટકો, 6 સબમરીનનો પ્રોજેક્ટ હાથમાંથી સરી ગયો, આ કંપની પાસે આવ્યો પ્રોજેક્ટ

ભારતીય નૌસેના માટે  6 સબમરીનોના નિર્માણ સાથે સંકળાયેલા 51 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે રક્ષા મંત્રાલયે બે ભારતીય અને પાંચ વિદેશી કંપનીઓની પસંદગી કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)એ ગઈકાલે મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ને ભારતીય રણનીતિક ભાગીદારો તરીકે 45,000 કરોડની 6 સબમરીનના નિર્માણ માટે પસંદ કર્યા છે. ડીએસીના આ નિર્ણયથી અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે.

નિવિદાના પહેલા તબક્કામાં અદાણી ગ્રુપની પસંદગી નહોતી થઈ પણ મંત્રાલય તરફથી તેને સામેલ કરવાનું દબાણ હતું. અંદાણીએ સાર્વજનિક ક્ષેત્રની હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડની સાથે ભાગીદારીમાં આ પ્રોજેક્ટ માટે બોલી લગાવી હતી પણ ભારતીય નૌસેનાના સૂત્રો અનુસાર કંપની અપેક્ષિત માપદંડોમાં ઉણી ઉતરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, પી-75 નામની આ પરિયોજના માટે મજબૂત દાવેદાર મનાતી અદાણી ડીફેન્સ માટેના યોગ્યતા માપદંડોના મૂલ્યાંક પછી ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા યોગ્ય નહોતી ગણાઈ. આ મોટી પરિયોજનાને મહત્ત્વાકાંક્ષી રણનીતિક ભાગીદારી મોડલ હેઠળ કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. જેમાં પસંદ થયેલી ખાનગી કંપનીઓને મૂળ ઉપકરણ નિર્માતા (ઓઈએમ) ની સાથે ભાગીદારીમાં ભારતમાં સબમરીન અને લડાયક વિમાનો જેવા સૈન્યના સાધનોમાં ઉતારાઈ રહી છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે રક્ષા ખરીદ પરિષદ (ડીએએસી) એ સ્વદેશી સ્ત્રોતો પાસેથી 5100 કરોડ રૃપિયાના સૈન્યના સામાનની ખરીદીને પણ મંજુરી આપી છે. આમાં સૈન્ય માટે ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન અને ભારતીય ઉદ્યોગ દ્વારા સ્થાનિક સ્તર પર નિર્મિત કરાયેલી અતિ આધુનિક ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ પણ સામેલ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ડીએસીની મિટિંગમાં આ નિર્ણય કરાયા હતાં. જેમાં મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ જનરલ બિપીન રાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતાં. પી-75 પરિયોજના માટે પસંદ કરાયેલ પાંચ વિદેશી કંપનીઓમાં થાઈસેનકુપ મરીન સિસ્ટમ્સ (જર્મની), નવંતિયા (સ્પેન) અને નેવલ ગ્રુપ (ફ્રાન્સ) પણ સામેલ છે. ભારતીય નૌસના પાણીમાં પોતાની મારકક્ષમતા વધારવા માટે 6 પરમાણુ સબમરીન સહિત 24 નવી સબમરીનો ખરીદવા ઈચ્છે છે.