નવસારી: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરી ન શક્યા, કારણ જાણો

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની દુદુંભી વાગી રહી છે જેનો કલશોર ગુજરાતમાં ચોતરફ સંભળાઈ રહ્યો છે. પોતાનો વટ્ટ અને ઠસ્સો દર્શાવવા ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા કા તો જનસભામાં મેદની એકત્રિત કરે છે અથવા તો ફોર્મ ભરવા જતી વેળાએ મોટા રોડ શોથી પાર્ટી-સમર્થકો અને પ્રભાવના દર્શન કરાવવાનું ચુકતા નથી. આજે અમદાવાદમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો અને જ્નસભા છે ત્યારે તેઓ શુક્રવારે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવશે. બીજી તરફ નવસારીના બે ટર્મ સાંસદ રહેલા સી આર પાટીલ ગુરુવારે (આજે ) વિજય મૂહુર્ત 12.39 વાગ્યે પોતાનું નામાંકન કરવાના હતા.પણ કલેકટર ઓફિસ પહોચતા જ ઘડિયાળમાં જોયું, તો તેઓ પણ ક્ષણિક ધબકારો ચૂકી ગયા હતા.

કેમ ચૂકી ગયા વિજય મૂહુર્તનો અવસર ?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સતત બે ટર્મથી સાંસદ સી આર પાટીલ આજે મસમોટી રેલી સાથે લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી પ્રસ્થાન થયા હતા. રેલી લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચી હતી. સી આર પાટીલના નામાંકન માટે આ રેલીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. 12.39ના વિજય મૂહુર્તને ધ્યાનમાં લઈને કલેકટર ઓફિસે નામાંકન માટે જવાનું હતું. રેલીમાં અન્ય આકર્ષણ હતા લોક ગાયક કીર્તીદાન ગઢવી અને ‘ડાયરા ક્વિન’ ગીતા રબારી. રેલીમાં ધીમે ધીમે કરતાં અંદાજિત એક લાખની ભીડ એકત્રિત થઈ ગઈ હતી, સૂત્રો કહે છે તેમ કીર્તીદાન અને ગીતાના કંઠના કામણમાં ઉપસ્થિત ભીડ એકાકાર થઈ ગઈ હતી. રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તો નવવારી સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો હતો. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ ઝૂમતા રહ્યાં હતા.

ડાયરાની જમાવટ. રેલીની ભીડથી ચૂક્યા સમય

એક લાખની ભીડ અસંખ્ય વાહનો અને ઉપરથી ગુજરાતનાં બે દિગ્ગજ લોકગાયકોના લાઈવ પર્ફોર્મન્સના કારણે કલેકટર ઓફિસના પ્રાંગણમાં પહોચતા સી આર પાટીલને મોડુ થઈ ગયું. પાટીલ તો ઇચ્છતા જ હતા કે આજે જ નામાંકન થઈ જાય જેથી શુક્રવારના નિર્ધારિત કાર્યક્રમમાં કોઈ ખલેલ ના આવે. પરંતુ નિર્ધારિત 12.39 નું વિજય મુહૂર્ત નીકળી જતાં પાટીલને ભવ્ય રેલી અને જન સમર્થનનો જેટલો આનદ હતો તેટલો જ અફસોસ આજે ઉમેદવારી ના કરી શકવાનો થયો.

પાટીલનું નામાંકન ક્યારે ?

નવસારીના સાંસદ સી આર પાટીલના આજે અવસર ચૂક્યા બાદ હવે તેઓ શુક્રવારે પોતાનું ફોર્મ ભરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ શુક્રવારે જ ગાંધીનગર બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કરશે ત્યારે તેઓ સાથે સી આર પાટીલ નહીં હોય.

કચ્છ હીટ સ્ટ્રોકની ઝપટમાં: પેટ-માથાનો દુખાવો, તાવ, ચક્કર, ઝાડા, ઉલટીના 108 પર આવ્યા 824 કોલ

કચ્છ જિલ્લામાં ગરમી વધી રહી છે. તાપમાન 41 ડિગ્રીને પાર થતાં 108 ઈમરજન્સી વિભાગને ઈમરજન્સી કોલ પણ વધી રહ્યા છે. ગત 1 માર્ચથી 15 એપ્રિલ સુધીમાં 108 ઈમરજન્સી સેવાઓ પર કુલ 824 કોલ આવ્યા હતા. આમાં પેટમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ, ચક્કર, ઝાડા, ઉલટી અને ઉબકા જેવા કેસોનો સમાવેશ થાય છે.

દોઢ મહિનામાં 824 કોલ આવ્યાઃ માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં તાપમાન 38 થી 42 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના 108 ઈમરજન્સી વિભાગમાં છેલ્લા દોઢ મહિનામાં કુલ 824 કેસ નોંધાયા છે. ચક્કર, ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો, હીટ સ્ટ્રોક સહિતની સમસ્યાઓ માટે ઈમરજન્સીમાં 108 પર કોલ આવ્યો હતો. જેમાં માર્ચ મહિનામાં 630 અને એપ્રિલ મહિનાના 15 દિવસમાં 224 કોલ આવ્યા હતા.

હીટ સ્ટ્રોકનો માત્ર એક જ કેસઃ ગરમીના કારણે ઇમરજન્સી કોલ અંગે માહિતી આપતા કચ્છના 108 ઇમરજન્સી વિભાગના અધિકારી સુજીત માલવિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનામાં વિવિધ સમસ્યાઓના 824 કોલ આવ્યા છે. કચ્છ જિલ્લામાં ગરમી વધી રહી છે. જેમાંથી 108ના ઈમરજન્સી વિભાગને અત્યાર સુધીમાં જિલ્લામાં સ્ટ્રોકનો એક જ કોલ આવ્યો છે.

દોઢ મહિનામાં 824 કોલ

એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર: ગરમીની તકલીફને કારણે ઇમરજન્સી કોલની સારવાર કરતી વખતે, કેટલાક કિસ્સાઓમાં એમ્બ્યુલન્સમાં રાખવામાં આવેલી પ્રાથમિક સારવાર કીટ દ્વારા સારવાર આપવામાં આવે છે. અન્ય કિસ્સાઓમાં, જો જરૂરી હોય તો, તેમને સારવાર માટે નજીકની સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

બેહોશીના 136 કેસઃ સરહદી કચ્છના જિલ્લામાં ઠંડી અને ગરમી બંનેમાં બેહોશીની સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને ગરમીના કારણે માથાનો દુખાવો, ઉબકા, બેહોશી જેવા કેસમાં દર્દીને ગંભીરતા અનુસાર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. દોઢ મહિનામાં માથાના દુખાવાના 15 કેસ, ઉબકા આવવાના એક કેસ અને બેભાન થવાના 136 કેસ નોંધાયા છે. ORS, ગ્લુકોઝ પાવડર, RL અને NS 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમો દ્વારા ઉપલબ્ધ છે, જે દર્દીઓને પ્રાથમિક સારવાર દરમિયાન આપવામાં આવે છે.

આ સમયગાળા દરમિયાન, કચ્છ જિલ્લાનું હવામાન સામાન્ય રીતે ખૂબ ગરમ હોય છે. ત્યારપછી હિટ સ્ટ્રોક, સન સ્ટ્રોક એટલે કે માંદગી અનુભવવાના કેસ વધુ છે. જ્યારે વાતાવરણના સંપર્કમાં આવે છે, ત્યારે શરીરનું તાપમાન ક્યારેક 104 ફેરનહીટના તાપમાને પહોંચતા ખૂબ જ ઊંચું થઈ જાય છે. હૃદયના ધબકારા પણ વધી જાય છે અને ત્વચા ખૂબ ગરમ થઈ જાય છે.

ગૌરવ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો.ઓપ્ટ મેમ્બર તરીકે સુરતના સિનિયર વકીલ ઝકી શેખની પસંદગી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે સુરતના સિનિયર ધારાશાસ્ત્રી ઝકી શેખની પસંદગી કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તાજેતરમાં જ ચૂંટાયેલા સદસ્યોની મળેલી બેઠકમાં તેમની નિમણૂંકને બહાલી આપવામાં આવી હતી. સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છેલ્લા એક દાયકા ઉપરાંતથી વકીલાત કરતાં ઝકી શેખની બાર કાઉન્સીલમાં નિયુક્તિને સુરતના વકીલ આલમે ઉમંગથી વધાવી લીધી છે. વકીલ આલમમાં હર્ષ સાથે ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે અને ચોમેરથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

એડવોકેટ ઝકી શેખ સુરત જિલ્લાની નવી પેઢીના વકીલોમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. જૂની પેઢીના અત્યંત પ્રભાવી ધારાશાસ્ત્રી મુખ્તયાર શેખના સૌથી મોટા પુત્ર તરીકે વકીલાતના વ્યવસાયને વારસામાં લઈને આગળ વધતા ઝકી શેખ પાસે છેલ્લા એક દાયકા ઉપરાંતનો અનુભવ છે. સુદીર્ઘ વકીલાત દરમિયાન સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં પણ તેમની સક્રિયતા રહી છે. તેમણે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં એક વખત ચૂંટણી કમિશનર તરીકે અને બે વખત સહાયક ચૂંટણી કમિશનર તરીકેની પણ જવાબદારી સંભાળી હતી.

ગુજરાત બાર કાઉન્સિલમાં કો.ઓપ્ટ મેમ્બર તરીકે તેમની નિમણૂંકની જાહેરાતને સુરત જિલ્લાના વકીલોએ ઉત્સાહથી વધાવી લીધી હતી. બાર કાઉન્સીલને લગત વકીલોના પ્રશ્નો હોય કે, બાર અને બેન્ચ વચ્ચેના મુદ્દાઓ હોય તેને રજૂ કરવા માટે સુરતને યોગ્ય સંકલનકર્તા મળ્યા હોવાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમની નિયુક્તિની જાહેરાત સાથે જ તેમના શુભેચ્છકો અને સાથી વકીલોએ શુભેચ્છા પાઠવી હતી.

એડવોકેટ તરીકે નવી પેઢીમાં પોતાની આગવી છાપ અંકિત કરવારા ઝકી શેખએ અનેક કેસોમાં વાદીઓને ન્યાય અપાવવામાં વકીલ તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવીને અસરકારક વકીલાતનો પરિચય આપ્યો છે.એડવોકેટ પિતા મુખ્ત્યાર શેખના પગલે ચાલીને વકીલ આલમમાં તેમણે પોતાનો નોખો ચીલો પાડ્યો છે.

કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનું સ્લીપર સેલ કાર્યરત છે? જાણો શું કહ્યું ગુજરાત પોલીસે

ગત રવિવારે વહેલી સવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. સલમાનને આપવામાં આવેલી સિક્યોરીટી છતાં આ ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ઘટનાને અંજામ આપનાર લોરેન્સ બોશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા બે શૂટરોની કચ્છના ભુજમાંથી ધરપકડ કરી હતી, ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઈનું કચ્છ કનેક્શન ફરી ચર્ચામાં છે.

અહેવાલો મુજબ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે મુંબઈ ક્રાઈમ બ્રાંચ સાથે સંકલન કરી બંને શૂટરોની ધરપકડ કરવા બદલ ગુજરાત પોલીસ વિભાગના વખાણ કર્યા હતા, તો બીજી તરફ ગુજરાત પોલીસ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

સલમાન ખાનના ઘર પર ફાયરીંગના કેસ સિવાય અન્ય બે કેસમાં લોરેન્સ બિશ્નોઈનું પણ કચ્છ કનેક્શન હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ લોરેન્સે કથિત રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાકિસ્તાનમાંથી કચ્છમાં ઘુસાડ્યું હતું, આ આરોપસર તેની સામે નલિયા કોર્ટમાં સામે કેસ ચાલી રહ્યો છે. જેને કારણે એવી અટકળો છે કે લોરેન્સ બિશ્નોઈએ કચ્છને ગેરકાયદેસર પ્રવૃતિઓ માટેનું બેઝ બનાવ્યું છે. કચ્છ પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો છે, જેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બંને શૂટરોની કચ્છમાંથી ધરપકડ બાદ ગુજરાત પોલીસ હવે તપાસ કરશે કે કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનો કોઈ સ્લીપર સેલ કાર્યરત છે કે કેમ? એક દિવસ અગાઉ, પોલીસે કચ્છના ભુજ શહેરમાં આવેલા આશાપુરા માતાના મંદિર પાસેથી શુટર વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ની ધરપકડ કરી હતી.

પોલીસે જાસૂસી તંત્રને સક્રિય કરીને આ સફળતા મેળવી હતી. ગુજરાતના ડીજીપીએ બંને શૂટરોની ધરપકડ કરનાર ટીમને ઈનામ આપવાનું પણ નક્કી કર્યું છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે એક અખબાર સાથે વાત કરતાં સ્લીપર સેલની તપાસ કરવા અંગે વાત કરી હતી.

ડ્રગ્સ કેસ ઉપરાંત લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કચ્છ કનેક્શન અગાઉ પણ બે વખત ચર્ચામાં આવ્યું છે. પંજાબી સિંગર-રેપર સિદ્ધુ મૂઝ વાલાની હત્યા બાદ પણ કચ્છના મુંદ્રામાંથી કેટલીક ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કરણી સેનાના નેતા સુખદેવ ગોગામેડીની હત્યા બાદ પણ આરોપીઓ કચ્છમાં છુપાયા હોવા હોવાના અહેવાલો વહેતા થયા હતા.

હવે બે શૂટરની ધરપકડ બાદ ગુજરાત પોલીસ હવે લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક વધુ તપાસ કરવા માંગે છે. ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે એસપી ભુજ, તેમની ટીમ અને ખાસ કરીને LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ)ની ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેમણે મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગોળીબારની ઘટનામાં આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ સાથે સંકલન કર્યું હતું. તમામ પોલીસ સ્ટાફને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.

કચ્છ, તેની ભૌગોલિક વિવિધતા માટે જાણીતું છે, કચ્છ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છમાં ગાંધીધામ, મુન્દ્રા અને કંડલા મોટા બંદરો છે. અહીં ટ્રકોની ભારે અવરજવર રહે છે. આથી લોરેન્સ બિશ્નોઈએ ડ્રગ્સ નેટવર્ક સ્થાપવા કચ્છનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.

બંને શૂટરો કચ્છના ભુજમાં શા માટે પહોંચ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. પૂછપરછ દરમિયાન આ ખુલાસો થવાની આશા છે.

 

ભાવનગર: નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ કર્યો હોબાળો કર્યો, રુપાલા વિરુદ્ધ લગાવ્યા નારા

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલા બફાટ બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. ક્ષત્રિયોના ભારે વિરોધ છતાં પુરૂષોત્તમ રૂપાલાએ તેમની ઉમેદવારી રાજકોટમાંથી નોંધાવી છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભાજપનો ખુલ્લો વિરોધ થયો હતો. ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાની ચૂંટણી પ્રચાર સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.

ભાવનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ મનસુખ માંડવિયા અને અન્ય નેતાઓનો કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાષણ આપી રહ્યા હતા. તે વખતે જ તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચઢી ચાલુ સભામાં જ પોતાનું રાજીનામું આપ્યું હતુ. તેમણે કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતુ. ક્ષત્રિય સમાજના યુવકે સ્ટેજ પર ચઢી નારા જય રાજપૂતાનાના નારા લગાવ્યા હતા.

મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાના નોમિનેશન રેલી માટે ભાવનગર પહોંચ્યા હતા, તેઓ સભાને સંબોધી રહ્યા હતા તે દરમિયાન રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના યુવાનોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ક્ષત્રિય યુવાનોના હોબાળો અને સૂત્રોચ્ચારના કારણે સ્થિતિ તંગ બની હતી. બાદમાં સ્થળ પર હાજર પોલીસે યુવકોની અટકાયત કરી હતી.

ભાવગનાર એ માંડવીયાનો ગઢ છે, મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અગાઉ માંડવિયા પોતે ભાવનગરથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ AAPએ કોળી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા તેના કારણે માંડવિયાને પરબંદરથી ટિકિટ મળી હતી.

રાજકોટથી પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ કેન્સલ કરવાની માંગ કરી રહેલી ક્ષત્રિય સમાજ સંઘર્ષ સમિતિએ યુવાનોને શાંતિપૂર્વક વિરોધ કરવાની અપીલ કરી છે. સંકલન સમિતિના મુખ્ય પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના સ્ટેન્ડમાં કોઈ ફેરફાર થયો નથી.

કરણસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે જો રૂપાલાની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ચાવડાએ કહ્યું કે તેમને થોડી આશા બાકી છે. ચાવડાએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ સમાજ કરતાં વ્યક્તિને વધુ મહત્વ આપે છે. આવી સ્થિતિમાં, હવે અમે આરપારની લડાઈ લડવા માટે મજબૂર છીએ.

ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી મામલે ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હટાવવાની માગ સાથે વડી અદાલતમાં તેમણે અરજી કરી હતી. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી મતદારો પાસે મત માગવો એ તેમનો અધિકાર હોવાની તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનિય છે કે અગાઉ રાજપીપળા કોર્ટે નર્મદામાં પ્રવેશબંધી હટાવવાની ચૈતર વસાવાની માગ ફગાવી દીધી હતી.

નર્મદા જિલ્લામાં પ્રવેશ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે, ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. લોકસભા ચૂંટણી નજીકમાં જ છે ત્યારે ચૈતર વસાવા તેમના ભરૂચ લોકસભા મતવિસ્તારના મતદારો વચ્ચે સતત જઇ રહ્યા છે. જો કે નર્મદામાં હજુ પણ તેઓ મતદારો પાસે જઇ શકતા નથી. ચૈતર વસાવાએ નર્મદા સેસન્સ કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવાની અરજી કરી હતી.

ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા છે જેની સામે ચૈતર વસાવાએ રાજપીપળા કોર્ટ સમક્ષ અરજી પ્રવેશબંધી રદ કરવા અપીલ આપી હતી, જો કે ત્યાથી પણ નિરાશા મળી હતી. રાજપીપળાની સેશન્સ કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે આપી મંજૂરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે દેડિયાપાડાના બોગજ ગામના નિવાસે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી તેઓ પ્રચાર કરી રહ્યા છે, પણ કોર્ટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે જામીન આપ્યા હતા.

દેડિયાપાડા વિધાનસભા બેઠક નર્મદા જિલ્લામાં આવતી હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી હોવાથી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી કોર્ટ પાસે માગી હતી. રાજપીપળાની સેશન્સ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

ક્ષત્રિય સમિતિ અને ભાજપના નેતાઓ સાથે નિષ્ફળ બેઠક, પ્રમુખ પીટી જાડેજાએ આપી સંપૂર્ણ માહિતી

ગઈકાલે રાત્રે 12:00 વાગે અચાનક બોલાવાયેલી ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચેની મંત્રણા અંગે આજરોજ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ વિગતવાર માહિતી આપી હતી.

ક્ષત્રિય સમાજ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અને ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક યોજાઇ હતી જેને લઇને આજરોજ પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે સંકલન સમિતિમાં તમામ હોદ્દેદારો વચ્ચે જ્યારે સમાધાનની વાત આવી ત્યારે ક્ષત્રિય સમાજનો એક જ સૂર રહ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પરત ખેંચવામાં આવે.

ભારતીય જનતા પક્ષ આદેશ આપે અથવા તો પુરુષોત્તમ રૂપાલા પોતે જે અગાઉ બોલી ચૂક્યા છે કે જો પક્ષને નુકસાન થતું હોય તો માફી માગું છું તેની જગ્યાએ હું ટિકિટ પાછી ખેંચું છું કે ઉમેદવારી પરત ખેંચું છું. આ એક જ માંગ છે અને અમારી આ માંગ પૂરી થશે એટલે તરત જ ક્ષત્રિય સમાજ ભાજપને જીતાડવા કામે લાગી જશે. અમારે ભારતીય જનતા પક્ષ સાથે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે કોઈ વાંધો છે નહીં. હાલ અમારું આંદોલન સૌરાષ્ટ્ર ગુજરાત પૂરતું છે પરંતુ મહાસંમેલનમાં રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી પણ ક્ષત્રિય આગેવાનો આવ્યા હતા. અમે નથી જતા કે તેની અસર ભારતભરમાં પડે એટલે હાલ 22 કરોડ ક્ષત્રિયો નહીં પરંતુ 70 લાખ ક્ષત્રિયોની લાગણી ઉપર ધ્યાન આપો અને પુરુષોત્તમ રૂપાલા પાસે ઉમેદવારી પરત ખેચાવો હાલ મંત્રણા પડી ભાંગી છે પુરુષોત્તમ રૂપાલા એ ફોર્મ ભરી દીધું છે તો ભલે ભર્યું 19 તારીખ સુધીમાં પરત ખેંચે તો પાર્ટ ટુ જાહેર કરવાનું કોઈ કારણ નથી.

ક્ષત્રિયોના વિરોધની ઐસી તૈસી: ક્ષત્રિયો માટે આવું બોલીને પુરુષોત્તમ રુપાલાએ વટભેર ભર્યું ફોર્મ

રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિયોના વિરોધની ઐસી તૈસી કરીને વટભેર ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલાં તેમણે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું.

રુપાલાએ જાહેરસભાને સંબોધન કરતા મોદી સરકારના ચૂંટણી ઢંઢેરા અંગેના સંકલ્પો ગણાવ્યા હતા. ખાસ કરીને 70 વર્ષના વડીલો માટે મોદી સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે કોમન સિવિલ કોડ લાગુ કરવાના સંકલ્પ અંગે પણ મોદી સરકારની પહેલના વખાણ કર્યા હતા.

તેમણે હાજર રહેલા નેતાઓ, કાર્યકરો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, સાંસદો, ધારાસભ્યો સહિત ઉપસ્થિત લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

અંતે રુપાલાએ ક્ષત્રિય સમાજ માટે કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાનાં મતનો છું અમારે તમારા સાથની પણ આવશક્યતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભાજપના સમર્થનમાં આપ સૌ પણ જોડાવો એવી નમ્ર વિનંતી છે.

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બંને શૂટરોની ભુજથી ધરપકડ, આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા બંને શૂટરોની ગત મોડી રાત્રે ગુજરાતના ભુજમાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે બંને શકમંદો ગુજરાતના ભુજ જિલ્લામાંથી પકડાયા હતા.

ધરપકડ કરાયેલા શકમંદોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓને પૂછપરછ માટે મંગળવારે મુંબઈ પરત લાવવામાં આવશે. પોલીસ ટૂંક સમયમાં બંને આરોપીઓ વિશે વધારાની વિગતો જાહેર કરશે.

રવિવારે સવારે લગભગ 5 વાગ્યે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારથી બાઇકસવાર બે શખ્સોએ સલમાન ખાનના એપાર્ટમેન્ટમ પર ગોળીબાર કર્યો હતો. ઘટના સમયે સલમાન ઘરે હતો. ફાયરિંગ કરીને બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે નજીકમાં હાજર સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બંને આરોપીઓની ઓળખ થઈ.

અહેવાલ મુજબ ગોળીબાર બાદ શૂટરોએ બાઈક એક ચર્ચ પાસે છોડી દીધી, થોડે દૂર ચાલ્યા અને પછી બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચવા માટે ઓટોરિક્ષા લીધી. ત્યાંથી તેઓ સાંતાક્રુઝ સ્ટેશન જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજી ઓટોરિક્ષા ભાડે કરી.જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી.

 

ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી બઢતીના આદેશ, સુરતને મળ્યા નવા પોલીસ કમિશનર

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના 35 ઓર્ડર કર્યો છે. જેમાં અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બનાાયા છે. નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર બનાવાયા છે. પ્રેમવીરસિંહ સુરત રેન્જના આઈજી, તો ચૈતન્ય માંડલીકનું પોસ્ટિંગ બાકી છે. જે.આર.મોથલિયા અમદાવાદ રેન્જના આઈજી,ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ આઈજી, ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા છે.

ઉલ્લેખનીય છે કે, હસમુખ પટેલ સહિત 20 IPSને પ્રમોશન આપવામાં આવ્યું છે. જી.એસ.મલેકને ડીજી તરીકે બઢતી કરાઇ છે. ADGP એવા ચાર IPSની DG તરીકે બઢતી કરી છે. નરસિમ્હા કોમર વડોદરા સીપી તરીકે ચાર્જ લેશે. ચૈતન્ય માંડલિક સહિતના અધિકારીઓનું સત્વરે થશે પોસ્ટિંગ થશે. ટૂંક સમયમાં પોસ્ટિંગ અને બદલીઓના વધુ ઓર્ડર ઇસ્યુ થશે. ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી,આર.વી.અસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન થયું છે. આર.વી.અસારીનું DIGથી આઈજી તરીકે પ્રમોશન થયું છે. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન,ડૉ.કે.એલ.એન.રાવનું DGP તરીકે પ્રમોશન, તો સુનિલ જોશીનું DIG તરીકે પ્રમોશન થયુ છે. તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા છે. શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના DCP બન્યા છે.

ગૌરવ જસાણીને આણંદના SP બનાવાયા છે. મહેન્દ્ર બગરીયાનું DIG તરીકે પ્રમોશન થયું છે. દિપક મેઘાણીનું DIG તરીકે પ્રમોશન થયું છે. લીના પાટીલનું DIG તરીકે પ્રમોશન થયું છે. સ્વેતા શ્રીમાળીનું પણ DIG તરીકે પ્રમોશન થયું છે. નિર્લિપ્ત રાયનું DIG તરીકે અને કે.એન.ડામોરનું DIG તરીકે પ્રમોશન થયું છે. એસ.જી.ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન થયું છે. નિલેશ જાજડીયાનું IGP તરીકે પ્રમોશન થું છે. બિપીન આહિર, શરદ સિંઘલ અને પી.એલ.મલનું IGP તરીકે પ્રમોશન થયું છે