ગેરવર્તણૂંક કરનારા જમાતીઓની સારવાર કરવા માટે આઇસોલેશન સેન્ટર સૈન્યને હવાલે

તબલીગી જમાતના કોરોના શંકાસ્પદોએ તબીબો સહિતના મેડિકલ સ્ટાફ પર થૂંકવા સહિતની ગેરવર્તણૂંક કરી હોવાની ઘટનાઓ બન્યા પછી ગુરૂવારે જમાતના લોકો નર્સોની સામે કપડાં ઉતારી નાંખતા હોવાની પણ ફરિયાદ ઉઠતાં હવે નરેલા સ્થિત આઇસોલેશન સેન્ટરની જવાબદારી ભારતીય સૈન્યને સોંપી દેવામાં આવી છે અને તેના કારણે સૈન્યની એક ટીમ આઇસોલેશન સેન્ટર પર પહોંચી ગઇ છે. તબલીગી જમાતમાં જોડાયેલા કેટલાક લોકો ડોક્ટરો પર થૂંકી રહ્યા છે નર્સ સામે કપડા કાઢી રહ્યા છે તેને જોતા ઈન્ડિયન આર્મીએ પોતાની મેડિકલ ટીમ સાથે હથિયારબંધ પ્રોટેક્શન ટીમ પણ મોકલી છે.

સૂત્રો દ્વારા મળેલી વિગતો પ્રમાણે આર્મી પાસે નરેલા આઈસોલેશન કેમ્પમાં મેડિકલ હેલ્થ માટે રિક્વેસ્ટ આવી હતી. જે પછી ઈન્ડિયન આર્મીએ પોતાના બે ડોક્ટર્સ અને સપોર્ટિંગ સ્ટાફની એક ટીમ નરેલા મોકલી છે. આ ટીમ સાથે આર્મીની એક નાની પ્રોટેક્શન ટીમ પણ મોકલવામાં આવી છે. દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત મરકઝ આવેલા તબલીગી જમાતના જલસામાં જોડાયેલા કોરોના સંદિગ્ધોને નરેલા સહિત અલગ-અલગ જગ્યા પર બનેલા આઈસોલેશન કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તેમની ઘણી ફરિયાદો પણ આવી રહી છે.

ઉત્તર રેલવેના સીઆરપીઓ દીપક કુમારે બુધવારે જણાવ્યું હતું કે જ્યારે મંગળવારે રાત્રે તબલીગી જમાતના લોકોને તુગલકાબાદ સ્થિત આઈસોલેશન સેન્ટરમાં લાવવામાં આવ્યા પછી તેઓ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. તેઓ કર્મચારીઓ અને ડોક્ટરો સાથે ગેરવર્તણૂક કરવાની સાથે જ તેમના પર થૂકી પણ રહ્યા છે.