ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધીમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઈકાલથી જ વરસાદી ઝાપટા પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

રાજ્યમાં સાઈક્લોનિક સર્કયુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી ૪૮ કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે. ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૃચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

26મી માર્ચના કચ્છને બાદ કરતા રાજ્યમાં એક બે જગ્યા પર વરસાદ પડી શકે છે, જ્યારે 27 માર્ચના રાજ્યમાં કચ્છને બાદ કરતા અન્ય જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. 28 માર્ચના રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી, જ્યારે 29મી માર્ચના આખા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

કોરોનાના કાળા કહેર વચ્ચે આવી આગાહી લોકોને રાતે પાણીએ રોવડાવે એવું લાગે છે. સાયકલોનિક સર્કયુલુશનથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાાંયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ એવી પણ શક્યતા છે. 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.