ઓલિમ્પિક્સના વર્ષમાં સ્પોર્ટસ બજેટમાં માત્ર રૂ. 50 કરોડનો વધારો, રૂ. 2826.92 કરોડની ફાળવણી

શનિવારે સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટી ફાળવણીની આશા રાખીને બેઠેલા સ્પોર્ટસ ક્ષેત્રને નિરાશા સાંપડી હતી. ઓલિમ્પિક્સના આ વર્ષમાં મોદી સરકાર સ્પોર્ટસ બજેટ માટે મોટી ફાળવણી કરશે એવી આશાઓની સામે કેન્દ્ર સરકારે ગત વર્ષની સરખામણીએ માત્ર રૂ. 50 કરોડના વધારા સાથે રૂ. 2826.92 કરોડની સ્પોર્ટસ બજેટમાં ફાળવણી કરી છે.

આ વર્ષે જાપાનમાં 24 જુલાઇથી 9 ઓગસ્ટ દરમિયાન 32માં ઓલિમ્પિક્સનું આયોજન થઇ રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આ રમતોનો મહાકુંભ જ્યારે નજીક આવશે ત્યારે ભારતીય ટુકડીમાં હજુ ઘણાં ખેલાડીઓનો ઉમેરો થશે, ખેલાડીઓને તૈયારી માટે સરકાર દ્વારા આર્થિક મદદ તો મળે છે પણ દેશમાં આધારભૂત માળખા કે વિકાસને ધ્યાને લેવામાં આવે તો બજેટ ફાળવણીમાં જે વધારો મળ્યો છે તે સાવ નજીવો કહી શકાય તેવો છે.

સરકારે જે રૂ. 2826.92 કરોડની ફાળવણી સ્પોર્ટસ બજેટમાં કરી છે, તેમાંથી 291.42 કરોડ રૂપિયા પોતાની મુખ્ય રમત યોજના ખેલો ઇન્ડિયા માટે રાખ્યા છે. જો કે આશ્ચર્યકારક વાત એ છે કે ઓલિમ્પિક્સના વર્ષમાં ખેલાડીઓને અપાતી પ્રોત્સાહન રકમમાં કપાત કરી દેવાયો છે. ઓલિમ્પિક્સના આ વર્ષમાં પ્રોત્સાહક રકમ 111 કરોડથી ઘટાડીને 70 કરોડ કરી દેવામાં આવી છે અને એ જ વાત સૌને નવાઇકારક લાગી રહી છે.