અલ્પેશ માટે કપરા ચઢાણઃ ઠાકોર સેના અપક્ષ ઉમેદવારી કરી મગનજી ઠાકોરને ટેકો આપશે

કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર અલ્પેશ ઠાકોરને કોઈપણ સંજોગોમાં હરાવવો એ એકમાત્ર લક્ષ્ય હાલ ગુજરાત કોંગ્રેસ રાખી રહી છે. રાધનપુર બેઠક પર ભાજપ જો અલ્પેશ ઠાકોરને ટીકીટ આપશે, તો કોંગ્રેસ પોતાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને અલ્પેશ સામે ચૂંટણી લડાવશે. કોંગ્રેસ દ્વારા અલ્પેશને હરાવવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

રાધનપુરમાં પેટાચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજના લોકો આવી ગયા છે. સાંતલપુરના કોરડા ગામે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતાં. ભાજપ કાર્યકર અને પૂર્વ ઠાકોર સેનાના પ્રમુખ મગનજી ઠાકોરના સમર્થનમાં લોક ભેગા થયા હતાં. આ બેઠકમાં મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર નોંધાવવા ઠાકોર સમાજે ટેકો આપ્યો છે. આમ જો મગનજી ઠાકોર અપક્ષ ઉમેદવારી કરે તો અલ્પેશ ઠાકોરને ફટકો પડી શકે છે. તમને જણાવી દઇએ કે, રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ઠાકોર સમાજનું વધુ પ્રભુત્વ છે. આમ રાઘનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજ હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.