રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા વડાપ્રધાન મોદીને અપાયું આમંત્રણ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા અપીલ કરી છે. 1 જુલાઈ, બુધવારે નૃત્યગોપાલ દાસે કહ્યું, ‘અમે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તેમને અયોધ્યા આવવા અને રામ મંદિર નિર્માણની પ્રવૃત્તિઓનું ઉદઘાટન કરવાની વિનંતી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન, અમે ખાતરી કરીશું કે ત્યાં ભીડ રહેશે નહીં.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું કે, આ પત્ર વડાપ્રધાન મોદીને શિલાન્યાસ માટે સમય આપવા અને તેમાં જોડાવા માટે લખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદીની હાજરીમાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે.

આ અગાઉ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્યગોપાલદાસના અનુગામી મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીને રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા આમંત્રણ મોકલવા પત્ર પાઠવશે.

મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે, અમે શ્રાવણ મહિના દરમિયાન રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા માંગીએ છીએ. એટલા માટે અમે ઇચ્છીએ છીએ કે વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવે.