આસામ: ઓઇલ ઇન્ડિયા લિમિટેડના ગેસ કુવામાં લાગી ભારે આગ, NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર

આસામના તીનસુકિયા જિલ્લામાં સ્થિત બગજાન તેલના કૂવામાં 8 જૂન, મંગળવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. છેલ્લા 14 દિવસથી કૂવામાંથી અનિયંત્રિત ગેસ લિકેજ થતો હતો. સત્તાવાર સૂત્રોએ ઉપરોક્ત માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે ઓઇલ ઈન્ડિયા લિમિટેડના ઓઇલ કૂવામાં આગ એટલી ભયંકર છે કે તેની જ્વાળાઓ બે કિલોમીટરથી પણ વધુ દૂરથી જોઇ શકાય છે. આજે બપોરે કુવામાં આગ લાગી તે દરમિયાન સિંગાપોરની ફર્મ “એલર્ટ ડિઝાસ્ટર કન્ટ્રોલ” ના ત્રણ નિષ્ણાતો હાજર હતા અને ત્યાંથી કેટલાક ઉપકરણો કાઢવામાં આવી રહ્યા હતા. ત્રણેય નિષ્ણાંતો ગેસ લિકેજ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની ઓફિસે ટ્વીટ કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ આ ઘટના અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે લખ્યું છે, “પરિસ્થિતિને કાબૂમાં લેવા મુખ્ય પ્રધાને ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સર્વિસના જવાનો, એનડીઆરએફ, સેના અને પોલીસને સ્થળ પર તૈનાત કરવા નિર્દેશ આપ્યો છે.” જે બાદ આ તમામ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.