ભારે ચકચાર: દ્વારકામાં પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ કર્યો હૂમલો

પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ આજે (18 જૂન) દ્વારકાની મુલાકાતે હતા. આ દરમિયાન અચાનક દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ પર હૂમલો કરતા ચકચાર મચી ગઇ છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ત્યાં હાજર ભાજપના સાંસદ પૂનમબેન માડમે મધ્યસ્થી કરીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુએ થોડા દિવસ અગાઉ કૃષ્ણ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો. આ દરમિયાન આહિર, ભરવાડ અને રબારી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. અને આહીર સમાજે મોરારી બાપુને દ્વારકા આવીને માફી માંગવાનું જણાવ્યું હતું. જે બાદ થયેલા વિવાદનું શમન કરવા માટે આજે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.

પોતાની ટિપ્પણી અંગે મોરારી બાપુએ અગાઉ વ્યાસપીઠ પરથી પણ માફી માંગી હતી. જોકે આહીર સમાજની સતત માંગ હતી કે મોરારી બાપુ દ્વારકા આવીને માફી માંગે. જેના પગલે આજે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ સમગ્ર આહીર સમાજના અગ્રણીઓ સમક્ષ માફી માંગી રહ્યા હતા ત્યારે જ અચાનક પબુભા માણેક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, પબુભા મોરારી બાપુ સુધી પહોંચે તે પહેલા જ સાંસદ પૂનમ માડમે તેમને અટકાવ્યા હતા અને અન્ય લોકો પણ પબુભાને પકડીને બહાર લઇ ગયા હતા.