પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલે કાશ્મીરને ભારતનો ભાગ ગણાવ્યો, મચ્યો હંગામો

વૈશ્વિક મંચો પર ભારત સામે વારંવાર કાશ્મીરનું રટણ કરનાર પાકિસ્તાનની સત્તાવાર ચેનલે વસ્તી જણાવતી વખતે ટીવી પર કાશ્મીરને ભારતનો ભાગ ગણાવી દીધું. પીટીવી (PTV ) ટીવી પર આ ‘ભૂલ’ થયા બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. હવે પીટીવીએ સ્પષ્ટ કર્યું છે કે, આ ગુનાના દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પીટીવીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, પીટીવી મેનેજમેન્ટે માનવ ભૂલને કારણે પાકિસ્તાનનો ખોટો નકશો બતાવવાની કડક નોંધ લીધી છે. પીટીવીના એમડીએ કહ્યું છે કે, તેમનું સંગઠન આવા ગુનાઓને માફીની લાયક ગણતું નથી.

તેઓએ ખાતરી આપી છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પીટીવીને આ નવીનતમ ભૂલ બદલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. ઇમરાન ખાનની ચીનની મુલાકાત દરમિયાન પણ મોટી ભૂલ સામે આવી હતી. અગાઉ, પાકિસ્તાનની સત્તાવાર ન્યૂઝ ચેનલ પીટીવીએ પીએમ ઇમરાન ખાનની ચીન મુલાકાત દરમિયાન મોટી ભૂલ કરી હતી. ચાઇનાની શાસક સામ્યવાદી પાર્ટીની સેન્ટ્રલ પાર્ટી સ્કૂલમાં તેમના ઇમરાન ખાનના ભાષણના જીવંત પ્રસારણ દરમિયાન, તેમણે સ્ક્રીન પર ‘બેઇજિંગ’ ને બદલે અંગ્રેજી શબ્દ ‘બેગીંગ’ (ભીખ માંગવી) લખ્યો હતો. આ માટે તેણે માફી માંગવી પડી હતી.

મજાની વાત એ હતી કે, આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે આર્થિક પેકેજના ઇરાદા સાથે ચીનની રાજ્ય મુલાકાત પર આવેલા ઇમરાન ખાન બેઇજિંગની સેન્ટ્રલ પાર્ટી સ્કૂલ ખાતે એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશન (પીટીવી) તેનું જીવંત પ્રસારણ કરી રહ્યું હતું. આ દરમિયાન આ ભૂલ થઈ. આ શબ્દ લગભગ 20 સેકંડ સુધી સ્ક્રીન પર દેખાતો રહ્યો, જે પછીથી બદલાઈ ગયો હતો.