મેક્સિકોના ઓક્સાકામાં ભૂકંપના ભારે આંચકા, નોંધાઈ 7.4ની તીવ્રતા

ઓક્સાકા : એક શક્તિશાળી ભૂકંપથી દક્ષિણ અને મધ્ય મેક્સિકો હચમચી ઉઠ્યું છે, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 23 જૂન, મંગળવારે મેક્સિકોના ઓક્સાકામાં ભૂકંપના ભારે આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4ની નોંધાઈ હતી અને ઓક્સાકા રાજ્યના પ્રશાંત દરિયાકાંઠે ભૂકંપનું કેન્દ્ર હતું. હજી સુધી કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

રાજ્યમાં ભૂકંપ, મુખ્યમંત્રી રૂપાણીએ ટેલિફોન પર મેળવી પરિસ્થિતિની માહિતી

ગુજરાતના વિવિધ શહેરોમાં આજે (14 જૂન) સાંજે 8:15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રેક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ છે. રાજ્યમાં ભારે તીવ્રતાનો આંચકો અનુભવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક રાજકોટ, કચ્છ અને પાટણ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોન પર વાતચીત કરીને ત્યાંની પરિસ્થતિ અંગે જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે ફરીથી લોક ડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. હાલની તકે રાજ્ય સરકાર લોક ડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી.’

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરવાની સાથે કહ્યું કે, ‘1 જૂનથી અનલૉક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ, ધંધા, રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.’
મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું કે, ‘કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોક ડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.’

ગુજરાતમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.5 રેક્ટર સ્કેલ, એપી સેન્ટર કચ્છ, લોકો દોડ્યા ઘરની બહાર

દેશમાં હાલના દિવસોમાં એક પછી એક નવી મુશ્કેલી સામે આવી રહી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ લઇ રહ્યો નથી અને હવે ગુજરાતના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ગુજરાતમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મહુવા, બોટાદ સહિતના શહેરો તેમજ ગામડામાં ભુકંપના આંચકા અનુભવાયા છે. ભાવનગરમાં આજે ( 14 જૂન) સાંજે 8:15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ છે. 2001માં આવેલા ભૂકંપ બાદ આ સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે.

ભૂકંપની તીવ્રતા વધુ હોવાને કારણે લોકોમાં ડરનો માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર કચ્છના ભચાઉમાં 10 કિલોમીટર અંદર હોવાનું સામે આવ્યું છે. .